BREAKING NEWS

કઠુઆના CISF કેમ્પમાં જવાને સાથીઓ પર ચલાવી અંધાધૂંધ ગોળીઓ: આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનોના મોત

  • September 29, 2026 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બસોલી વિસ્તારમાં આવેલા સીઆઈએસએફ (CISF) કેમ્પમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. મશકા ગામમાં સ્થિત સેવા-III પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફ જવાનો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ એક જવાન અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારની ઘટનામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સીઆઈએસએફના 4 જવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે.


મળતી માહિતી મુજબ, આ ગોળીબારની ઘટના મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 ના રોજ બની હતી. મૃતક જવાનોમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, સબ ઈન્સ્પેક્ટર (SI) લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમારનો સમાવેશ થાય છે. સાથી જવાનો પર ગોળીઓ ચલાવનાર આરોપીની ઓળખ સીઆઈએસએફ જવાન અભિદેશ સિંહ તરીકે કરવામાં આવી છે.


સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશની સરહદને અડીને આવેલા બસોલીના મશકા ગામમાં સેવા-III હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની સુરક્ષા માટે આ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. મંગળવારે કોઈ બાબતે બે જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે આરોપી અભિદેશ સિંહે પોતાની રાઇફલ વડે સાથી જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે ગોળીઓ વાગવાના કારણે ચારેય જવાનોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.


​​​​​​​ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા કેમ્પની અંદર જ આ પ્રકારના ગોળીબારની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અને સેનાના વર્તુળોમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ હાલ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News