BREAKING NEWS

ખેડૂતો માટે સાંજે ખુશખબરી આવી શકે... CM ભુપેન્દ્ર પટેલે સાંજે બોલાવી અતિ મહત્વની બેઠક બોલાવી, પાક સહાય પેકેજની જાહેરાત થવાની સંભાવના

  • November 07, 2025 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. જેને લઈને રાજ્ય સરકારે પાક નુકસાની માટે સર્વે પણ કરાવ્યો છે. હવે રાજ્ય સરકાર આ પાક નુકસાની સહાય પેકેજ ક્યારે જાહેર કરે છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કારણ કે પાક તો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર કેટલી સહાય આપે છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણાંમંત્રી પણ ઉપસ્થિત રહેશે.


કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરાશે

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.


42 લાખ હેક્ટરથી વધારે જમીનમાં પાક ધોવાયો

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.


રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે 

આજે જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિવિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application