BREAKING NEWS

પ્રમોશનની ફાઈલ અડધી રાતે પાસ થશે, પણ કામમાં ખામી નહીં ચાલે: સરકારી બાબુઓ પર CM ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ

  • October 09, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં વિકાસકાર્યોની ગુણવત્તા અને વહીવટી જવાબદારીને લઈને સરકારની ગંભીરતા વચ્ચે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં ટકોર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ પ્રમોશનની ફાઈલો રાત્રે 12 વાગ્યે પણ મંજૂર કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. મુખ્યમંત્રીની આ ટકોરે વિકાસકાર્યોની ગુણવત્તા, ટેન્ડર પ્રક્રિયા અને અધિકારીઓની જવાબદારીના મુદ્દાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યા છે.


ચિંતન શિબિરમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગની કામગીરીની સમીક્ષા અને ભાવિ આયોજનના મુદ્દે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ નીચા ભાવે ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયા સામે સાવચેતી રાખવા જણાવ્યું હતું. માત્ર ઓછા ભાવને આધારે ટેન્ડર મંજૂર કરી દેવાથી કામની ગુણવત્તા જોખમાય તો તેની જવાબદારી કોણ લેશે, તેવો સવાલ પણ તેમની સૂચનામાંથી ઉપસ્યો હતો. ટેન્ડરનો ભાવ વાસ્તવિક છે કે નહીં અને તે ભાવે ગુણવત્તાયુક્ત કામ થઈ શકે તેમ છે કે નહીં તેની ચકાસણી અનિવાર્ય હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.​​​​​​​


ફોન વગર કામ નહીં થતું હોય તો વહીવટનો અર્થ શું?

મુખ્યમંત્રીએ અધિકારીઓની કાર્યશૈલી સામે પણ નારાજગી વ્યક્ત કરતાં ‘સાહેબ પાસેથી ફોન કરાવો તો જ કામ થાય’ તેવી માનસિકતા બદલવા જણાવ્યું હતું. અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રની જવાબદારી જાતે નિભાવવી જોઈએ તેવી તેમની ટકોર વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સંકેત આપે છે. કર્મચારીઓ ગમે ત્યારે તેમને મળી શકે છે તેવી વાત કરીને તેમણે સંવાદ માટેના દરવાજા ખુલ્લા હોવાનું પણ જણાવ્યું હતું.​​​​​​​

ભૂલ માફ, જાણીજોઈને કરેલી બેદરકારી નહીં

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સારાં કામની ક્રેડિટ લેવા બધા આગળ આવે છે, પરંતુ ભૂલ થાય ત્યારે જવાબદારી બીજાના માથે નાખવાના પ્રયાસ થાય છે. ભૂલ થઈ શકે, પરંતુ જાણીજોઈને કરવામાં આવેલી ભૂલ ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત પર સૌની નજર છે ત્યારે નાની ખામીઓ પણ મોટી સમસ્યામાં ફેરવાય તે પહેલાં અધિકારીઓએ આત્મમંથન કરવું જોઈએ તેવી તેમણે હાકલ કરી હતી.

માર્ગ-મકાન વિભાગની છાપ સારી હોવા છતાં મુખ્યમંત્રીએ આપેલી આ ટકોરે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વિકાસનાં દાવા પૂરતા નથી. રસ્તાઓ સહિતનાં બાંધકામોમાં ગુણવત્તા જળવાય, ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રહે અને ખામી બદલ જવાબદારી નક્કી થાય, તો જ ચિંતન શિબિરનો હેતુ સિદ્ધ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application