BREAKING NEWS

વડોદરામાં કારમાં આગ લાગ્યા બાદ CNG ટેન્કમાં બ્લાસ્ટઃ પતરાના ટુકડા 200 મીટર દૂર સુધી ફેંકાયા, પાંચને ગંભીર ઈજા

  • November 05, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા શહેરના રામવાડી વિસ્તારમાં પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગ્યા બાદ પ્રચંડ ધડાકો થયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી સીએનજી ટેન્ક ફાટવાથી કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારના પતરાના ટુકડા અને સળિયા ઊડીને આશરે ૨૦૦ મીટર દૂર સુધી ફેંકાયા હતા, જેના કારણે આસપાસના પાંચ જેટલા સ્થાનિક રહીશો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.


ઘટનાની વિગતો મુજબ, નવાયાર્ડના રામવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક હોન્ડા સિટી કાર પાર્ક કરવામાં આવી હતી. અચાનક આ કારમાં આગ ભભૂકી ઉઠતાં ટૂંક સમયમાં જ તેણે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને દોડધામ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.


આ આગ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, ટીપી-૧૩ ફાયર ટીમ સ્થળ પર પહોંચે તે પૂર્વે જ કારમાં રહેલી સીએનજી કિટની બોટલ પ્રચંડ ધડાકા સાથે ફાટી ગઈ હતી. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે કારના પતરા અને લોખંડના ટુકડા હવામાં દૂર સુધી ઉડ્યા હતા. આ વિસ્ફોટની ઝપેટમાં આવવાથી પાંચ નિર્દોષ રાહદારીઓ અને સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


ઈજાગ્રસ્ત થનાર વ્યક્તિઓમાં દિપીકાબેન મકવાણા, ઉષાબેન મકવાણા, નગીનભાઇ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમારનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં એક મહિલાના હાથમાં કારના પતરાનો તીક્ષ્ણ ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિના પગમાં પતરું વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે પોલીસ અને સ્થાનિકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


ઈજાગ્રસ્ત દિપીકાબેનના ભાઈ નયન મકવાણાએ ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે, તેઓ રાત્રે લાઈટની સીરીઝ લગાવવાનું કામ કરી રહ્યા હતા અને દોઢ વાગ્યાની આસપાસ ઘરમાં ગયા હતા. તે સમયે મિત્રનો ફોન આવ્યો કે બહાર ગાડી સળગી રહી છે. તેઓ જ્યારે બહાર આવીને પોતાની ગાડી હટાવવા ગયા, ત્યારે જ હોન્ડા સિટી કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ગાડીનો લોખંડનો સળિયો તેમની બહેનના પગમાં ઘૂસી ગયો હતો. આ કાર પ્રિતેશ મકવાણાની હોવાનું અને તેમાં ૧૫ દિવસ પહેલા જ ગેસ કિટ મુકાવી હોવાનું બહાર આવ્યું છે.


આ ભીષણ બ્લાસ્ટને કારણે માત્ર કાર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારને પણ ભારે નુકસાન થયું છે. વિસ્ફોટના કારણે બાજુમાં આવેલ એક ગલ્લો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. દિવ્યાંગ પિતા દ્વારા ચલાવવામાં આવતા આ ગલ્લામાં રહેલી સાયકલો, ખુરશીઓ અને બાળકોની ખાધ્ય સામગ્રી બળીને નાશ પામી હતી. તેમજ નજીકમાં આવેલા મંદિરે બેઠેલા વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી. કાર માલિક દ્વારા અગાઉ ગાડી પાર્ક કરવાની ના પાડવા છતાં ગાડી મૂકવામાં આવી હોવાથી ઈજાગ્રસ્તોના પરિવારે સારવારનો તમામ ખર્ચ કાર માલિક દ્વારા વહન કરવાની માંગ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application