આઈપીએલ 2026 માં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) લખનૌ સુપર જાયન્ટ્સને (LSG) 5 વિકેટે હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ હાર સાથે જ ઋષભ પંતની કેપ્ટનશીપ વાળી લખનૌની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ચેપાક સ્ટેડિયમમાં રમાયેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં ઉર્વિલ પટેલના 13 બોલના અર્ધશતકે આખી મેચ પલટી નાખી હતી.
જોશ ઈંગ્લિસની તોફાની ફિફ્ટી છતાં લખનૌ મર્યાદિત સ્કોર પર અટક્યું
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ધમાકેદાર રહી હતી. ઈજા બાદ પરત ફરેલા ઓપનર જોશ ઈંગ્લિસે મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. ઈંગ્લિસની 33 બોલમાં 85 રનની આક્રમક ઈનિંગને કારણે લખનૌએ 9 ઓવરમાં જ 112 રન બનાવી લીધા હતા. જોકે, મધ્યક્રમમાં જેમી ઓવરટન અને નૂર અહેમદની કરકસરભરી બોલિંગને કારણે રનગતિ ધીમી પડી હતી. અંતમાં શાહબાઝ અહેમદના 25 બોલમાં 43 રનની મદદથી લખનૌએ 203 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઉર્વિલ પટેલનો ઈતિહાસ: 13 બોલમાં પચાસ
204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી CSK ને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (42) અને સંજુ સેમસને (28) સારી શરૂઆત અપાવી હતી. પરંતુ અસલી રોમાંચ ત્યારે શરૂ થયો જ્યારે ઉર્વિલ પટેલ ક્રીઝ પર આવ્યો. ઉર્વિલે તેની પ્રથમ 8 બોલમાં જ 6 સિક્સર અને 1 ફોર ફટકારી દીધી હતી, જેમાં સતત 5 બોલમાં 5 સિક્સરનો પણ સમાવેશ થાય છે. ઉર્વિલે માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારીને યશસ્વી જાયસ્વાલના સૌથી ઝડપી IPL ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 23 બોલમાં 65 રન બનાવી ચેન્નાઈની જીતનો પાયો નાખ્યો હતો.
શિવમ દુબેએ ફિનિશરની ભૂમિકા ભજવી
ઉર્વિલ આઉટ થયા બાદ મેચમાં વળાંક આવ્યો અને લખનૌએ વાપસી કરી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે 10 રન જોઈતા હતા. ઋષભ પંતે આશ્ચર્યજનક રીતે સ્પિનર એડન માર્કરામને બોલ સોંપ્યો હતો. જોકે, ક્રીઝ પર હાજર શિવમ દુબેએ માર્કરામના સતત બે બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર:
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સીઝનની છઠ્ઠી જીત નોંધાવી છે અને પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, લખનૌ માટે હવે પ્લેઓફના તમામ દરવાજા બંધ થઈ ગયા છે.