BREAKING NEWS

જિલ્લા પંચાયતના સ્ક્રિનિંગ કેમ્પમા 1481 આશા વર્કરોમાં કેન્સરના લક્ષણો

  • February 04, 2026 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેન્સર સોસાયટીના સહયોગથી આશા વર્કરો અને આશા ફેસીલીટેટર મહિલાઓના આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાંથી 1,481 મહિલાઓમાં કેન્સરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જીલ્લા પંચાયતમાં ગઈકાલે આવો વધુ એક સ્ક્રિનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમાં 269 આશા વર્કર મહિલાઓનું કેન્સર સ્ક્રિનિંગ કરતા વધુ 45 ને શંકાસ્પદ લક્ષણો હોવાનું જણાયું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતના 16 મહિલા સભ્યોના કેન્સર સ્ક્રિનિંગ પણ કરાયા હતા અને તેમાંથી બે મહિલા સભ્યોમાં પણ આવા લક્ષણો જોવા મળ્યા હતા.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ કેન્સરના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગોંડલ તાલુકામાં 90 લોધિકા તાલુકામાં 48 જેતપુર તાલુકામાં 279 કોટડા સાંગાણી તાલુકામાં 80 ધોરાજી તાલુકામાં 181 પડધરી તાલુકામાં 81 ઉપલેટા તાલુકામાં 157 વીંછીયા તાલુકામાં 83 જામકંડોરણા તાલુકામાં 117 રાજકોટ તાલુકામાં 90 અને જસદણ તાલુકામાં 92 આશા વર્કરો અને ફેસિલિકેટર બહેનોને કેન્સરના લક્ષણો હોવાનું જણાયું છે.

કેમ્પ દરમિયાન મહિલાઓમાં આવા લક્ષણો જણાય તો તેને સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વધુ નિદાન માટે મોકલવામાં આવતા હોય છે. અમુક કેસ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે પણ મોકલવામાં આવ્યા હતા.

શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરી શકાતું નથી અને શૈક્ષણિક સંસ્થાઓથી દૂર તમાકુનું વેચાણ થતું હોય ત્યારે ત્યાં જરૂરી ચેતવણીના બોર્ડ રાખવા જરૂરી છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ સંદર્ભે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આવા નિયમનો ભંગ કરનાર 48 વેપારીને રૂપિયા 6,600 નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application