કાલાવડ તરફથી કેટરર્સનું કામ પૂરું કરી રાજુની રીક્ષામાં રાજકોટ પરત આવતા હતા ત્યારે બનાવ
રાજકોટ-કાલાવડ રોડ પર છાપરા ગામ નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા કેટરર્સનું કામ કરતા પાંચ મહિલાઓને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહિલાઓ રાજુભાઈની રિક્ષામાં બેસી કાલાવડ તરફ લગ્ન પ્રસંગમાંથી કેટરિંગનું કામ પુરી કરી રાજકોટ તરફ પરત આવી રહ્યા હતા ત્યારે કારે રિક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવડ રોડ પર ખીરસરા નજીક છાપરા ગામ પાસે રાત્રીના સીએનજી રીક્ષાને પુરપાટ ઝડપે આવતી કારે ઠોકર મારતા રિક્ષામાં સવાર લીલાબેન કાળુભાઇ દયાતર (ઉ.વ.58-રહે-ભગવતીપરા, નંદનવન-4), જશુબેન વિજયભાઈ મક્કા (ઉ.વ.37-રહે ભગવતી પરા આવાસ ક્વાર્ટર), સુમીતાબેન ગગજીભાઈ મક્કા (ઉ.વ.38-રહે-બેડીપરા), લીલાબેન ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.40-રહે-ભગવતીપરા આવાસ ક્વાર્ટર), જ્યોત્સનાબેન ભયલાભાઈ બાબરીયા (ઉ.વ.40-રહે-ભગવતીપરા, આવાસ ક્વાર્ટર)ને ઇજા થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મહિલાઓ કેટરર્સમાં કામ કરતી હતી અને ગઈકાલે કાલાવડ બાજુ લગ્ન પ્રસંગ હોય ત્યાંથી કેટરર્સનું કામ પૂરું કરી ઘરે પરત ફરતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.