BREAKING NEWS

અમદાવાદમાં કાર રેન્ટલ કંપનીને રૂ.2.36 કરોડનો ધુંબો, ભાડે લીધેલી 15 લક્ઝુરિયસ કાર સાથે 10 શખ્સો ફરાર

  • August 17, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલી 'ગો વિથ ઝૂપ' નામની કાર રેન્ટલ કંપની સાથે રૂ.2.36 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂન 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન અલગ-અલગ દસ જેટલા શખ્સોએ ગ્રાહક બનીને કંપનીમાંથી ઓડી, ફોર્ચ્યુનર અને થાર જેવી મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ ભાડે લીધી હતી. ત્યારબાદ આ ઠગોએ ગાડીઓના જીપીએસ સિસ્ટમ બંધ કરી, પોતાના સંપર્ક નંબરો બંધ કરીને તમામ કાર પચાવી પાડી હતી. સમયસર ભાડું કે કાર પરત ન મળતાં આખરે કંપનીના માલિકે 10 આરોપીઓ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર રહેતા સૌરભભાઈ મોહનભાઈ તુલસીરામ ગુપ્તાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌરભભાઈ થલતેજ ખાતે મુખ્ય ઓફિસ ધરાવતી 'ગો વિથ ઝૂપ' કંપની મારફતે કાર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. પોલીસમાં આપેલી વિગતો મુજબ, જૂન 2025થી ફેબ્રુઆરી 2026 વચ્ચે 10 અલગ-અલગ વ્યક્તિઓએ તેમની કંપનીનો સંપર્ક કરી નિયમ મુજબ કાગળો રજૂ કરીને લક્ઝરી કાર ભાડે લીધી હતી. પરંતુ બાદમાં તેમણે કરાર મુજબ ન તો ભાડું ચૂકવ્યું કે ન તો ગાડીઓ પરત કરી હતી.


પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ કૌભાંડ આચરનાર દસ આરોપીઓમાં લક્ષ્મણ ભરવાડ (ખેડા), મુકેશ પ્રજાપતિ (અમદાવાદ), દિપક ખત્રી (અમદાવાદ), રૂષિલ શાહ (અમદાવાદ), ધ્રુવ પ્રજાપતિ (મહેસાણા), અબ્દુલ રઝાક (રાજસ્થાન), અરવિંદ પ્રજાપતિ (સાબરકાંઠા), રવિકુમાર મહેતા (અમદાવાદ), જીતેન્દ્રસિંહ સોલંકી (ગોધરા) અને ઉત્સવ સેઠ (અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ શખ્સોએ થાર, સ્વીફ્ટ, સફારી, સ્કોર્પિઓ, ઓડી, ફોર્ચ્યુનર, અર્ટીગા અને બલેનો જેવી 15 ગાડીઓ ભાડે લીધી હતી. જેમાં ગોધરાના જીતેન્દ્રસિંહ સોલંકીએ એકલાએ જ સૌથી વધુ ચાર લક્ઝરી કાર ભાડે મેળવી હતી.

આરોપીઓએ ગાડીઓ તાબામાં લીધા બાદ તરત જ ગાડીઓમાં લાગેલા જીપીએસ ટ્રેકર ડીવાઈસ બંધ કરી દીધા હતા, જેથી કારનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. ઉપરાંત પોતાના મોબાઈલ નંબરો પણ બંધ કરી દીધા હતા. આ તમામ 15 કારની કુલ બજાર કિંમત રૂ.2,36,30,000 અંકાય છે. કરોડો રૂપિયાની ગાડીઓ અને ભાડું ચાંઉ કરી જતાં આખરે કંપની માલિકે કાયદાનો આશરો લીધો છે. પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધીને પચાવી પાડેલી કાર રિકવર કરવા અને આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News