BREAKING NEWS

વિમલ,આરએમડીમાંથી કેન્સરકારક તત્ત્વો મળ્યા

  • November 13, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિમલ ગુટખા (કેસર યુક્ત)ના અનસેફ જાહેર થયેલ નમૂનાના કેસમાં મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જ્યુ.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી દ્વારા ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૧૬ લાખના દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરએમડી ગુટખા (૧૨૦ ગ્રા.પેક્ડ)ના અનસેફ જાહેર થયેલ નમૂનાના કેસમાં મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જ્યુ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કમલેશકુમાર આર. ગાગનાણી દ્વારા એક આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.સાત લાખના દંડનો હુકમ કર્યો છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જાહેર કરેલી વિગતો મુજબ, ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી સ્થળ: ઉદયનગર-૨, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી વિમલ ગુટખા (કેસર યુક્ત) પેક્ડનો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મેગ્નેશિયમ કોર્બોનેટ તથા તમાકુ/નિકોટિનની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ ક્લાસ કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ની કલમ-૫૯ તથા કલમ-૫૮ હેઠળ તકસીરવાન ઠરાવી (૧) સુરેશભાઈ ઠાકરશી વેકરીયા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના ભાગીદાર) (૨) રાજેશભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (પેઢીના ભાગીદાર)એ દરેકને પાંચ વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને રૂ.૩,૦૦,૦૦૦નો દંડનો હુકમ, (૩)જયોતિ સેલ્સ એજન્સી (ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢી)ને રૂ.૩,૦૦,૦૦૦ નો દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો દરેકને વધુ ૬-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. (૪)દિપક રાવત (મેનેજર-પ્રોડકશન એન્ડ માર્કેટીંગ-વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લી.)ને પાંચ વર્ષની સખત કેસની સજા અને રૂ.૩,૫૦,૦૦૦નો દંડ તથા (૫) વિષ્ણુ પાઉચ પેકેજીંગ પ્રા.લી. (ઉત્પાદક પેઢી) ને રૂ.૩,૫૦,૦૦૦ના દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૬-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. આમ, આ કેસમાં કુલ મળીને રૂ.૧૬ લાખ દંડ તથા જેલની સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ ડી.આર.રાવલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત કેસ ઉપરાંત અન્ય કેસમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ભાભા એજન્સી સ્થળ: દુકાન નં.૫-૬, ડી.એચ.ચેમ્બર, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી આરએમડી ગુટખા (૧૨૦ ગ્રામ પેક્ડ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા અપાયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત ટેસ્ટ ફોર ટોબેકો એન્ડ નિકોટિનની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ની કલમ-૫૯ તથા કલમ-૫૮ હેઠળ તકસીરવાન ઠરાવી (૧)અનિલ મહેન્દ્રભાઈ પટેલ (ઉત્પાદક પેઢી- મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિની)ને પાંચ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૩.૫૦ લાખનો દંડનો હુકમ તેમજ (૨) મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી)ને કુલ રૂ.૩.૫૦ લાખનો દંડ મળીને આ કેસમાં કુલ રૂ.૭ લાખના દંડની સજા કરવામાં આવેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ બે માસની કેદની સજાનો હૂકમ કર્યો હતો, આ કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ જે.એન.શાહ નિયુક્ત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application