BREAKING NEWS

અમેરિકામાં અમદાવાદની જેમ કાર્ગો વિમાને ઉડાન ભરતા જ ક્રેશ, અગનગોળામાં ચાર લોકો ભડથું

  • November 05, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની જેમ જ અમેરિકાના કેન્ટુકીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. કેન્ટુકી રાજ્યના લુઇસવિલે આંતરરાષ્ટ્રીય હવાઇમથક નજીક એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત અંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે, જેમાંથી કેટલાક ગંભીર છે. ત્યારબાદ વધુ એકનું મોત થતા મૃત્યુઆંક ચાર થયો છે. 


ફેડરલ એવિએશન ઓથોરિટી (એફએએ) અનુસાર, યુપીએસ ફ્લાઇટ 2976 એ મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈના હોનોલુલુમાં ડેનિયલ ઇનોયે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.


એફએએએ અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં તીવ્ર જ્વાળાઓ અને કાટમાળ જોવા મળ્યો હતો. પોલીસે એરપોર્ટની 8 કિમી ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.


ગવર્નરે એ પણ સ્વીકાર્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બેશિયરે ઉમેર્યું, અત્યારે, અમને ક્રૂની સ્થિતિ ખબર નથી. તે વીડિયો જોઈને મને લાગે છે કે આપણે બધા તેમના માટે ખૂબ ચિંતિત છીએ.


લુઇસવિલે આંતરરાષ્ટ્રીય વિમાનમથકે તમામ હવાઈ કામગીરી સ્થગિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં એરપોર્ટ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે, જે અકસ્માતની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં ઓછામાં ઓછું 38,000 ગેલન જેટ ઇંધણ હતું. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તેનો ધુમાડો ઘણા કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે 6:15 વાગ્યે લુઇસવિલે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતી વખતે એક UPS કાર્ગો વિમાન ક્રેશ થયું અને વિસ્ફોટ થયો.


લુઇસવિલે પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે હજુ પણ આગ અને કાટમાળ છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આગ 2010ની યુપીએસ ફ્લાઇટ 6ના અકસ્માતની જેમ જ વિમાનમાં લિથિયમ બેટરીના કારણે લાગી હોઈ શકે છે.


આ એરપોર્ટ યુપીએસનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં 12000થી વધુ કર્મચારીઓ દરરોજ 20 લાખ પાર્સલનું સંચાલન કરે છે. આ કેન્દ્ર પાંચ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.


યુપીએસ એરલાઇન્સે જણાવ્યું હતું કે કેન્ટુકી પ્લેન વિશે નવી માહિતી ઉપલબ્ધ થતાં અપડેટ્સ શેર કરવામાં આવશે. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) સંયુક્ત રીતે કંપનીના સૌથી મોટા હબ, યુપીએસ વર્લ્ડપોર્ટ તરીકે ઓળખાતા એરપોર્ટ પર અકસ્માતની તપાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application