BREAKING NEWS

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પાણીને બદલે દારૂ ભરેલા કેરબા આવ્યા, કેસના બદલે ખાનગી કારમાં બે પોલીસકર્મી આવ્યા ને માલ લઈ ગયા!, રાજકોટનો ચોંકાવનારો કિસ્સો

  • November 27, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની ભાગોળે આવેલા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પાણીના કેરબામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે વાત ટ્રાન્સપોર્ટરને માલુમ પડતા તેણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. સ્થાનિક પોલીસના કર્મી કારમાં આવી દારૂનો જથ્થો ભરેલા સાત જેટલા કેરબા લઇ ગયા હતાં. બાદમાં દારૂનો જથ્થો સગેવગે કરી નાંખ્યાની કાન ફાડી નાંખે તેવી ચર્ચા ચાલી છે. કારમાં આવેલા આ કર્મીઓની કામીગીરી વાત ઉપરી અધિકારી સુધી પહોંચી હશે કે કેમ? તે પણ એક સવાલ છે.


ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પોલીસને જાણ કરી

રાજકોટથી બહાર જવાના મુખ્ય હાઇવે પર આવેલા અને ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા વેપાર માટે રૂડા એવા વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ કોઇ પાર્ટીએ માલ મોકલ્યો હતો. જે કેરેબામાં હોય આ અંગે શંકા ઉપજતા ટ્રાન્સપોર્ટરે આ કેરેબા ચકાસતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોતે કોઇ કાયદાના સંઘર્ષમા ન આવે તે માટે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પોતાની જાગૃત નાગરિક તરીકેની ફરજના ભાગરૂપે તુરંત સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.


આ વાત થાણા અધિકારી સુધી પહોંચી છે કે કેમ?

દારૂ અંગે પોલીસને જાણ કરાયા બાદ સ્થાનિક પોલીસના બે જવાનો ખાનગી કારમાં અહીં આવ્યા હતાં અને તેમણે દારૂનો જથ્થો ભરેલા આ કેરબા કારમાં નાખી કામગીરી આટોપી લીધી હતી. આ અંગે હજુ સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો પકડાયો હોવાનો કોઇ માહિતી જાહેર કરાઇ નથી. ત્યારે કારમાં આવેલા જવાનો કારીગીરી કરી ગયાની ભારે ચર્ચા જાગી છે. આ વાત થાણા અધિકારી સુધી પહોંચી છે કે કેમ? કે પછી તેમને પણ અંધારમાં રાખી જવાનોએ કામ પાર પાડયું તે પણ એક પેચીદો સવાલ બની રહ્યો છે.


અગાઉ પણ કેરેબા આવ્યા હતા જે પુનિનગર પહોંચ્યા હતા

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં થોડા સમય પૂર્વે પણ આ શંકાસ્પદ કેરબા આવ્યા હતાં. પરંતુ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને શંકા પડે તે પૂર્વે માલ રિસિવ કરનાર શખસ રીક્ષા લઇ અહીં આવી ગયો હતો. આ કેરબા શહેરના પુનિતનગર વિસ્તારમાં પહોંચડાવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application