ઇન્કમટેકસ એપીલેટ ટ્રીબ્યુનલમાં ભ્રષ્ટાચારની ફરિયાદોના પગલે સીબીઆઇ અને આવકવેરા વિભાગે જોઇન્ટ ઓપરેશન હાથ ધરી આઇટીએટીના જામનગરના સભ્યની ધરપકડ કરી રીમાન્ડ પર લીધા છે. ત્યારે આ પ્રકરણની તપાસ દરમ્યાન સભ્યના જામનગરના નિવાસસ્થાનેથી લાખોની રોકડ રકમ મળી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જયપુરથી આઇટીએટીના સભ્યની ધરપકડ બાદ પૂછપરછનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે તપાસમાં હજુ વધુ ચોંકાવનારી હકીકતો ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.
આવકવેરાના વિવાદાસ્પદ કેસના નિકાલ માટેની આઇટીએટી એટલે કે ઇન્કમ ટેકસ એપીલેટ ટ્રીબ્યુનલમાં મોટા ભાગના કેસમાં સરકાર વિરૂઘ્ધ ચૂકાદા આપી ભ્રષ્ટાચારની ફરિયાદો મળતા આ અંગે સીબીઆઇએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન સરકારની વિરૂઘ્ધ ચૂકાદા આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યોની ફરિયાદોમાં તથ્ય જણાતા સીબીઆઇએ તપાસ હાથ ધરી હતી. સીબીઆઇએ આઇટીને સાથે રાખી જોઇન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત આઇટીએટીના સભ્ય એસ.સીતાલક્ષ્મીની કારમાંથી રૂ.૩૦ લાખ રોકડા મળ્યા હતાં. તપાસ દરમ્યાન સીબીઆઇએ આઇટીએટીના સભ્યની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી તા.૧ ડીસેમ્બર સુધી રીમાન્ડ મેળવ્યા હતાં. ભ્રષ્ટાચારના આ પ્રકરણની તપાસ દરમ્યાન સીબીઆઇ અને આઇટીના અધિકારીઓએ આઇટીએટીના સભ્યના જામનગરના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી.
આ દરમ્યાન નિવાસસ્થાનમાંથી લાખોની રોકડ રકમ મળી હોવાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આઇટીએટીમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા પ્રકરણમાં બે સભ્યની ધરપકડ બાદ તપાસ હજુ ચાલી રહી છે અને આ પ્રકરણમાં થયેલા નાણાંની હેરફેર સહીતના મુદે સંબંધીત વ્યકિતઓના નિવેદન અને પૂછપરછનો દૌર પણ યથાવત રહ્યો છે. ત્યારે ખૂબજ મહત્વની ઇન્કમટેકસ એપીલેટ ઓથોરીટીમાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં સભ્યોની રીમાન્ડ દરમ્યાન શું ચોંકાવનારી હકીકતો ખૂલે છે અને સીબીઆઇ અને આઇટી દ્રારા સતાવાર શું વિગતો જાહેર કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.