BREAKING NEWS

મહિન્દ્રા ગેલોપ્સ મોટર્સમાં કેશિયરે 10 લાખ રૂપિયાની કરી ઉચાપત

  • December 02, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે માલીયાસણ ગામ નજીક મહિન્દ્રા કંપનીના ડીલર ગેલોપ્સ મોટર્સમાં ફરજ બજાવતા કેશીયરે કંપનીની ૧૩ લાખ જેટલી રકમ પોતાના અંગત જરૂરિયાતો માટે ઉપયોગ કર્યો હોવાનું ઓડિટમાં ખુલ્યા બાદ કંપનીએ તેના કર્મચારીને આ રકમ પાંચ દિવસમાં જમા કરવાનું કહેતા ત્રણ લાખ જ જમા કરાવી દસ લાખની છેતરપિંડી કરી હોવાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ ન્યુ કોલેજ વાડી શેરી નંબર એકમાં રહેતા રાજદીપસિહ ગંભીરસિહ ચુડાસમા ઉંમર વર્ષ 34 વાળા ગેલોપ્સ મોટર્સમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીમાં દસ વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતા ગિરીશ કિશોરભાઈ જારીયા રહે. મીલપરા મેન રોડ લક્ષ્મીવાડી વિરુદ્ધ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી ફરજ બજાવે છે તે કંપની મહેન્દ્ર કંપનીની ગાડીઓ વેચવાનું તેમજ ઓટો પાર્ટ્સની ડીલરશીપ ધરાવે છે.


આરોપી ગીરીશભાઈ કિશોરભાઈ જારીયા રહે લક્ષ્મીવાડી વાળા એ ગાડીના વેચાણનું પેમેન્ટ સ્વીકારવાનું કામ કરતા હોય અને આ રકમ મેળવ્યા બાદ બેંકમાં જમા કરવાની જવાબદારી તેમની હોય છે. ગત ૨૫/૧૧/૨૦૨૫ના અમદાવાદથી કંપનીનું ઇન્ટરનેટ ઓડિટ કરવા અધિકારીઓ આવ્યા

હતા.


તે દરમિયાન જાણવા મળેલ કે કંપનીમાં આવેલા રોકડા ૮.૧૫ લાખ ઈલેક્ટ્રીક વ્હીકલ વેચાણના ૩.૯૮ લાખ તેમજ સિક્યુરિટી પેટે ના ૭૭,૭૦૦ એમ કુલ મળીને ૧૩ લાખ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા નથી. આ બાબતે ગીરીશ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ રકમ અંગત જરૂરિયાત માટે વાપરી નાખેલ છે.


જો કે કર્મચારી જુના હોય તેથી કંપનીએ તેઓને રકમ જમા કરવા માટે પાંચ દિવસનો સમય આપ્યો હતો,જો કે ગિરીશે આ સમયગાળા દરમિયાન ફક્ત ૩ લાખ જમા કરાવ્યા હતા અને બાકી રહેલી ૧૦ લાખ રકમ બાબતે ગલ્લા તલ્લા કરવા લાગતા સુપરવાયઝરે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તેમની સૂચનાથી ગીરીશભાઈ જારીયા સામે ફરિયાદ કરતા કુવાડવા રોડ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ બી વી ભગોરા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application