કેટરર્સમાં માણસોની પૂરા પાડનાર યુવાનને મહાદેવ કેટરર્સના સંચાલક અને તેના માણસોએ મળી તાવીથા પાઇપ વડે મારમારી તેનો હાથ ભાંગી નાંખ્યો હતો. યુવાને કેટરીંગ માટે મોકલેલા માણસો પૈકી કેટલાક ક્લિન શેવ ન હોય તે બાબતે માથાકૂટ થઇ હતી.બાદમાં યુવાન હીસાબ લેવા જતા તેને મારમારી તેનો મોબાઇલ પડાવી લઇ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 200 માં રહેતા રાહુલગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.વ. 28) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોલેજવાડી શેરી નંબર 9 માં રહેતા રાહુલ દવે અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કેટરર્સનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તારીખ 7/12 ના બપોરના 12:30 વાગ્યા આસપાસ યુવાન તથા તેનો મિત્ર અજય વાઘીયા બંને રીક્ષા લઇ રાહુલ દવે કે જે મહાદેવ કેટરર્સ ચલાવતા હોય તેની પાસે પૈસા લેવા માટે કોલેજવાડી ગયા હતા અને યુવાને રાહુલને કહ્યું હતું કે, મને કેટરર્સ પૈસા આપો હવે મારા માણસોને પૈસા આપવા છે. જેથી રાહુલે કહ્યું હતું કે, તારા કેટરર્સવાળા માણસો દાઢીવાળા છે તે નહીં ચાલે જેથી યુવાને કહ્યું હતું કે, જે માણસો ન ચાલે તેના પૈસા મને આપતા નહીં બાદમાં આ રાહુલે ભૂંડી ગાળો આપી હતી. જેથી યુવાને કહ્યું હતું કે, ગાળો ન આપો. બાદમાં રાહુલે કહ્યું હતું કે તું કારો કેમ આપશ તેમ કહી ઉશ્કેરાય બે ત્રણ લાફા મારી દીધા હતા અને કહ્યું હતું કે, બીજા પૈસા આપ નહીંતર તારા હાથ પગ ભાંગી નાખીશ.
બાદમાં રાહુલ દવેએ તેની સાથે કામ કરતા માણસોને બોલાવી લીધા હતા અને આ અજાણ્યા શખસે યુવાનને તાવીથા અને પાઇપ વડે માર માર્યો હતો. આ દરમિયાન રાહુલે યુવાન પાસે રહેલ મોબાઈલ ફોન બળજબરીથી લઈ લીધો હતો અને કહ્યું હતું કે, મોબાઈલ હશે તો તું બીજાને ફોન કરીશ ને બાદમાં યુવાન તથા તેનો મિત્ર રીક્ષા લઈને ભાગવા જતા રાહુલે કહ્યું હતું કે, હજુ તો આટલો માર્યો છે પાછો આવીશ તો ભાંગી નાખીશ. બાદમાં યુવાન તથા તેનો મિત્ર અજય અહીં પલ્સ હોસ્પિટલ રેલનગર ખાતે સારવારમાં પહોંચ્યા હતા. યુવાનને ડાબા હાથમાં ઇજા થઈ હોય એક્સ રે કરાવતા ફ્રેકચર થયાનું માલૂમ પડ્યું હતું. જેથી તેણે આ અંગે મહાદેવ કેટરર્સવાળા રાહુલ દવે સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે