ભારતીય દર્શકોની લાગણી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને કડક ચેતવણી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં બનેલી કોઈ પણ વેબ સિરીઝ કે ડિજિટલ કન્ટેન્ટ ભારતમાં રિલીઝ અને સ્ટ્રીમ ન થાય તે કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે.
આ વિવાદ નેટફ્લિક્સની પ્રથમ પાકિસ્તાની વેબ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો'નું ટ્રેલર મંગળવારે રિલીઝ થયા બાદ શરૂ થયો છે. આગામી 4 ડિસેમ્બરે રિલીઝ થનારી આ સિરીઝ ભારતમાં પ્રસારિત થવાની આશંકાને પગલે દેશભરમાં વિરોધ થયો છે અને મંત્રાલયને અનેક ફરિયાદો મળી છે.
જૂના વચન અને એડવાઈઝરીનું પાલન કરવા સૂચના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે નેટફ્લિક્સને 8 મે 2025ની એડવાઈઝરીનું પાલન કરવા કહ્યું છે. આ ઉપરાંત જૂન 2025માં કંપનીએ સરકારને આપેલા વચન પર કાયમ રહેવા નિર્દેશ આપ્યો છે. તે સમયે કંપનીએ ભારતમાં કોઈ પણ પાકિસ્તાની ફિલ્મ કે સિરીઝ ઉપલબ્ધ ન કરાવવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામ આતંકી હુમલા બાદ સરકારે તમામ OTT પ્લેટફોર્મ પરથી પાકિસ્તાની કન્ટેન્ટ હટાવવાનો આદેશ આપ્યો હતો.
ફિલ્મ સંગઠનોએ વડાપ્રધાનને લખ્યો પત્ર વર્તમાન વિવાદ અંગે ફિલ્મ જગતના બે મોટા સંગઠનોએ પણ કડક વલણ અપનાવ્યું છે. 'ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન' (AICWA) અને 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ' દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરાઈ છે.
AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય સ્ક્રીન પર કોઈ પણ પાકિસ્તાની ચહેરા, અવાજ કે વાર્તા માટે કોઈ સ્થાન નથી.