BREAKING NEWS

જામનગરના વાતાવરણમાં પલ્ટો: યલો એલર્ટ અપાયું

  • February 23, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં ઉત્તર પૂર્વ તરફથી ગરમ પવન આવવાના કારણે ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, બપોરે અસહ્ય ગરમી પડ્યા બાદ આજે સવારે એકાએક વાદળો છવાયા હતા અને થોડા છાટા પણ પડ્યા હતા, એકાએક વાતાવરણમાં પલ્ટો આવવાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું હતું, ફાગણ મહિનામાં આ પ્રકારનું વાતાવરણ ભાગ્ય જ જોવા મળે છે.


જામનગર સહિત સમગ્ર હાલારમાં મિશ્ર ઋતુનો બેવડો માર પડયો છે. છેલ્લા અઠવાડિયાથી બપોરના અસહ્ય ગરમીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે સવાર સાંજ હજુ પણ ઠંડીનો માહોલ રહ્યા કરે છે. એક તરફ મચ્છરનો ત્રાસ બીજી તરફ રોગચાળાએ માઝા મુકી છે ત્યારે મહતમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે અને તાપમાન ૩૧ ડીગ્રીએ પહોંચ્યુ છે. આવનારા દિવસોમાં વધુ ગરમી પડશે તેવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજયમાં રાજકોટ, અમરેલી અને સુરતમાં પણ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચી ગયુ છે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૧ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી, હવામાં ભેજ ૫૯ ટકા, અને પવનની ઝડપ ૧૦ થી ૧૫ પ્રતિકલાક જોવા મળી હતી. આ ઉપરાંત ગામડાઓમાં અને તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, ફલા સહિતનાં ગામડાઓમાં પણ બપોરે ગરમી શરૂ થતાં ખેતરમાં કામ કરતા ખેડુતો પણ ગરમીમાં કામ કરવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. 


છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં પલટો આવી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી ગરમીનો માહોલ જોવા મળે છે. ગઇકાલે તો સુરત, અંકલેશ્ર્વર, ગોધરા અને પંચમહાલ જિલ્લામાં માવઠુ થયુ હતું. હાસોઠ ગામમાં એકાદો ઇંચ વરસાદ પડયો હતો. ત્યારે જામનગરનું તાપમાન પણ વધી ગયું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application