BREAKING NEWS

UPI પરનો ચાર્જ જાન્યુઆરી સુધી ટળી શકે, નવા નિયમોનો અમલ ત્રણ મહિના પાછો ઠેલાશે

  • October 08, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં યુપીઆઈ દ્વારા કરવામાં આવતા મોટા વ્યવહારો પર ચાર્જ વસૂલવાની નવી વ્યવસ્થાનો અમલ ત્રણ મહિના માટે પાછો ઠેલવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના નવા નિયમો હવે ૧ જાન્યુઆરી ૨૦૨૭થી લાગુ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વેપારીઓ, બેન્કો અને ડિજિટલ પેમેન્ટ સેવા આપતી કંપનીઓને નવી વ્યવસ્થા માટે પૂરતો સમય આપવા આ નિર્ણય લેવાઈ શકે છે. જોકે, અમલની તારીખ લંબાવવા અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે રૂ. ૨,૦૦૦થી વધુ રકમના ચોક્કસ યુપીઆઈ વેપારી વ્યવહારો પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર વસૂલવાની વ્યવસ્થા તૈયાર કરી છે. આ ચાર્જને કારણે ડિજિટલ પેમેન્ટ મોંઘું બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારી સંગઠનો પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. ખાસ કરીને ચાર્જનો બોજ વેપારીઓ ગ્રાહકો પર નાખે તો યુપીઆઈનો ઉપયોગ ઘટવાની શક્યતા છે.

નવી વ્યવસ્થા હેઠળ નાના વેપારીઓના વ્યવહારો અને એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કરવામાં આવતા નાણાંના ટ્રાન્સફર પર એમડીઆર લાગુ નહીં પડે. આવા વ્યવહારો અગાઉની જેમ નિઃશુલ્ક રહેશે. રૂ. ૨,૦૦૦ સુધીના સામાન્ય વેપારી વ્યવહારોને પણ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

યુપીઆઈ પર ચાર્જ વસૂલવાની વ્યવસ્થા સામે વેપારીઓ અને ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તહેવારો દરમિયાન ખરીદીમાં મોટો વધારો થતો હોવાથી નવી વ્યવસ્થાનો તાત્કાલિક અમલ વેપારીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે. ખાસ કરીને દિવાળી પહેલાં ડિજિટલ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કરવાથી વેપાર પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દરમિયાન રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ પર ખૂબ જ નજીવો ચાર્જ વસૂલવામાં આવે તો તેના કારણે વ્યવહારોની સંખ્યામાં મોટો ઘટાડો થવાની અપેક્ષા નથી. જોકે, ચાર્જનો વાસ્તવિક બોજ કોના પર પડશે તે બાબત વેપારીઓ અને ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે.

હવે સરકાર નવી વ્યવસ્થાનો અમલ ૧૫ ઓક્ટોબરના બદલે ૧ જાન્યુઆરીથી કરવાની જાહેરાત કરે છે કે કેમ તેના પર વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ કંપનીઓની નજર છે. અમલ ત્રણ મહિના પાછો ઠેલાય તો તહેવારોની મોસમ દરમિયાન હાલની વ્યવસ્થા યથાવત્ રહી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application