યુરોપીય સંઘે ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે પોતાની મોનીટરીંગ અને નિયમન પ્રક્રિયા વધુ કડક બનાવી દીધી છે. યુરોપીય આયોગ દ્વારા ડિજિટલ સર્વિસેજ એક્ટ (ડીએસએ) હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ચેટજીપીટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ અને ગેમિંગ પ્લેટફોર્મ રોબ્લોક્સને ‘ખૂબ જ મોટા’ ઓનલાઇન પ્લેટફોર્મ અને સર્ચ એન્જિનની શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ કડક નિયમો તે જ ડિજિટલ સેવાઓ પર લાગુ થાય છે જેના યુરોપીય સંઘના દેશોમાં સરેરાશ 4.5 કરોડથી વધુ માસિક યુઝર્સ હોય. આ નવા વર્ગીકરણ હેઠળ ચેટજીપીટીને 'ખૂબ જ મોટું ઓનલાઇન સર્ચ એન્જિન' ગણવામાં આવ્યું છે, કારણ કે તે વેબ-સર્ચ અને એઆઈ આધારિત જવાબો આપે છે. જ્યારે રેડિટ અને રોબ્લોક્સને તેમના યુઝર-જનરેટેડ કન્ટેન્ટ અને ગેમિંગ ઇકોસિસ્ટમના કારણે 'ખૂબ જ મોટા ઓનલાઇન પ્લેટફોર્મ'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. યુરોપીય આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, યુરોપીય સંઘમાં ચેટજીપીટીના સરેરાશ 15.9 કરોડ માસિક યુઝર્સ છે, જ્યારે રેડિટના 5.72 કરોડ અને રોબ્લોક્સના આશરે 4.8 કરોડ માસિક યુઝર્સ સક્રિય છે. આ વિશાળ યુઝરબેઝને કારણે જ આ ત્રણેય સેવાઓ યુરોપીય સંઘની વિશેષ દેખરેખ હેઠળ આવી ગઈ છે. આ નિર્ણય સાથે જ કંપનીઓ પર જવાબદારી અને પારદર્શિતાનું દબાણ વધી ગયું છે. નવા નિયમન હેઠળ આ ટેક કંપનીઓએ યુઝર્સના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરો, મૌલિક અધિકારોનું રક્ષણ, સગીરોની સુરક્ષા, દેશની ચૂંટણી પ્રક્રિયાઓ અને સાર્વજનિક સુરક્ષા પર રહેલા જોખમોનું વાર્ષિક ધોરણે વિગતવાર મૂલ્યાંકન કરવું પડશે. યુરોપીય આયોગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે અથવા યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેના પર કંપનીના વૈશ્વિક વાર્ષિક ટર્નઓવરના છ ટકા સુધીનો ભારે નાણાકીય દંડ લાદવામાં આવી શકે છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપના નાગરિકો માટે સુરક્ષિત અને જવાબદાર ડિજિટલ વાતાવરણ પૂરું પાડવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application