BREAKING NEWS

સરકારી હોસ્પિટલમાં નોકરી દેવાના બહાને ૬ સાથે 10.95 લાખની ઠગાઈ

  • November 06, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના પરસાણાનગર માં રહેતા અને જિલ્લા પંચાયતમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવક સહિત છ લોકો સાથે જૂનાગઢના ર ચીટરે સિવિલ હોસ્પિટલમાં ડીન હોવાની ઓળખ આપી અલગ-અલગ સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાના નામે ૧૦.૯૫ લાખની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના પરસાણા નગર વિસ્તારમાં રહેતા સત્યદેવ સુખદેવભાઈ ઘાવરી ઉ.વ.૩૨ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પિતા સુખદેવભાઈ રાજકુમાર કોલેજમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય એ જ કોલેજમાં આશિષ દાનાભાઈ રાઠોડ રહે. માંગરોળ-જૂનાગઢ વાળાનો પુત્ર ભણતો હોવાથી સુખદેવભાઈ તેના સંપર્કમાં આવ્યા હતા.


ત્યારબાદ સુખદેવભાઈએ આશિષને સત્યદેવ માટે નોકરીની વાત કરતા આશિષ કહ્યું હતું કે તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિન તરીકે નોકરી કરે છે અને નોકરી અપાવવાની તમામ સત્તા નેતા જ હાથમાં છે એટલા માટે તે સત્યદેવને નોકરી અપાવી દેશે પરંતુ તેના માટે રૂપિયા આપવા પડશે.ત્યારબાદ સુખદેવભાઈએ સત્યદેવના તમામ ડોક્યુમેન્ટ આશિષને મોકલ્યા હતા.


બાદ આશિષ અને સત્યદેવ ગાંધીનગર ખાતે આરોગ્ય સચિવાયલના પાર્કિંગમાં મળ્યા હતા અને ત્યાંથી આશિષ અને સત્યદેવ બન્ને સચિવાલયમાં ગયા બાદ અડધો કલાક સુધી આશિષ કોઈને મળવા ગયો હતો અને બાદમાં પરત આવી સત્યદેવને કહ્યું હતું કે ક્લાર્ક તરીકે તેની નોકરી નક્કી થઈ જશે પરંતુ બે લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહેતા તેને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા.


વધુમાં આશિષ રાઠોડે સત્યદેવને એમ પણ કહ્યું હતું કે અન્ય કોઈને નોકરીની જરૂર હોય તે કરાવી આપશે. આ સાંભળી સત્યદેવને તેના પિતરાઈ ભાઈ પરેશ સનાતનભાઈ ઘાવરી, કેવલ જીવનભાઈ ઘાવરી, અજય દીપકભાઈ ઘાવરી, રાહુલ સંજયભાઈ ઘાવરી, અનિકેત તુલસીભાઈ ઘાવરી અને અને તુષાર તુષાર બાબુભાઈ ચુડાસમાને વાત કરતા તેમણે પણ આશિષને ૮.૯૫ લાખ રૂપિયા આપ્યા હતા.


આ તમામને વઢવાણ, ચોટીલા, રાજકોટ, જૂનાગઢ સહિતની સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આશિષે આપ્યા બાદ ગાયબ થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application