BREAKING NEWS

છેતરપિંડી કૌભાંડમાં ચીટર અમિત અરજી કરનાર 90 રોકાણકારોના 70 કરોડ ખાઈ ગયાનો ઘટસ્ફોટ

  • January 22, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના છેતરપિંડીકાંડમાં વિજય માકડિયા અને અમિત ભાણવડિયા નામના બન્ને ચીટરોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણ કરનારને ૧૨ ટકા ઉંચુ વળતર આપવાની લાલચ આપી વડાલીયા પરિવાર તેમજ રાજકોટના નામી અનામી વેપારીઓ સહિત અનેક રોકાણકારો સાથે કરોડોના છેતરપિંડી કૌભાંડમાં ગુનો નોંધાયા બાદ આરોપી અમિત ભાણવડિયાના રિમાન્ડ ઉપર હોય તે દરમ્યાન ભોગ બનનાર ૯૦ જેટલા રોકાણકારો સામે આવ્યા છે. જેના રૂપિયા ૭૦ કરોડ જેટલો આંકડો સામે આવ્યો છે, જ્યારે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ બે દિવસના ફરધર રિમાન્ડ ક્રાઈમ બ્રાન્ચે અદાલતમાંથી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


લોભામણી સ્કીમ આપી આ છેતરપિંડી કાંડ સર્જ્યું 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ છેતરપિંડી કાંડમાં આરોપી વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ 2019થી આચરેલ ઠગાઈ કેસમાં પોતાની ક્રશર પેઢી દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારી પેઢીમાં રોકાણ કારોને વાર્ષિક ૧૨ ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલ મુડી સમયમર્યાદામાં પરત કરશું. તેમજે પૈસાનું રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રશર પેઢીમાં રોકાણ કરશું અને ૧૨ ટકા વ્યાજ ચૂકવાશે તેવી લોભામણી સ્કીમ આપી આ છેતરપિંડી કાંડ સર્જ્યું હતું.


૮૦ જેટલા ભોગ બનનાર વેપારીઓ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા

આ બન્ને ચીટર સામે વડાલીયા નમકીન ફૂડના માલિકની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચે ચીટર બેલડી સામે ગુનો દાખલ કરતાની સાથે ૮૦ જેટલા ભોગ બનનાર વેપારીઓ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા જેઓની લેખિત ફરિયાદ અરજી અને તેની સાથે કેટલું ફ્રોડ કર્યું છે તે અંગેની વિગતો ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ ચિરાગ જાદવ અને ટીમે મેળવી હતી.


બીજી તરફ આરોપી અમિત ભાણવડિયા ના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય જેની પૂછપરછમાં અનેક ચોકાવનારી કબુલાત અમિતે આપી હતી જેમાં મોટાભાગના રૂપિયા મિલકતોમાં ફસાઈ ગયાનું તેમજ બંને ભાગીદારો એમસીએક્સ જુગારના શોખીન હોય કરોડો રૂપિયા જુગારમાં ગુમાવ્યાની પણ કબુલાત આપી હતી.


અમુક રોકાણકારોની મૂડી જેટલું તો વ્યાજ વધુ ચૂકવી દીધું: અમિત

અમિતની પૂછપરછમાં સામે આવ્યું છે કે રોકાણકારોએ રૂપિયા રોક્યા હતા તેમાં ઘણા ખરા રોકાણકારોને તેની મૂડી જેટલું તો વ્યાજ પણ ચૂકવી દીધું છે તેમજ અમિત અને તેના ભાગીદારો દ્વારા રોકાણકારોને તેમના બાકીના રૂપિયા પણ આપી દેવા માટે સમય માગવામાં આવ્યો હતો અને પોતાની બ્લોક થયેલ મિલકત વેચાય તેમ તેમ ચૂકવણું કરવા પ્રયાસ કરશે તેવી ધરપત આપી હતી પરંતુ ગુનો નોંધાઈ જતા પરિસ્થિતિ વધુ વણસી હોવાનું રટણ તે કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application