મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા પ્રખ્યાત કૂનો નેશનલ પાર્કમાં 'પ્રોજેક્ટ ચિત્તા'ના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે. આ ચાર વર્ષની યાત્રા દરમિયાન વન્યજીવ પ્રબંધન અને સંશોધકોએ અનેક પડકારોનો સામનો કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. શરુઆતના સમયમાં દક્ષિણ ગોળાર્ધ એટલે કે આફ્રિકન દેશોમાંથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓના શરીર પર ભારતના વાતાવરણ અને જૈવિક ચક્રના કારણે જાડા વાળ એટલે કે 'વિંટર કોટ' ઊગી રહ્યા હતા. આ કુદરતી ફેરફારના કારણે અગાઉ ચોમાસા અને ભેજવાળા વાતાવરણમાં ગંભીર ચેપ લાગવાનું જોખમ ઊભું થયું હતું, પરંતુ વન વિભાગની સમયસરની સાવચેતી અને યોગ્ય આયોજનને કારણે હવે આ સમસ્યા સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે.
વર્તમાન સમયમાં કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 51 પર પહોંચી ગઈ છે, જે પ્રોજેક્ટની મોટી સિદ્ધિ દર્શાવે છે. આ 51 ચિત્તાઓમાં કુલ 36 ચિત્તા ભારતની ધરતી પર જન્મેલા (મેડ ઇન ઇન્ડિયા) છે. આ ઉપરાંત, આઠ ચિત્તા બોત્સ્વાનાથી (જેમાંથી એક ગાંધીસાગરમાં છે), પાંચ ચિત્તા દક્ષિણ આફ્રિકાના મૂળના (જેમાંથી ત્રણ ગાંધીસાગરમાં છે) અને બે ચિત્તા નામિબિયા મૂળના છે. આ તમામ ચિત્તાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી ભારતીય વન્યજીવ સૃષ્ટિમાં તેમનો વ્યાપ સુરક્ષિત રીતે વધારી શકાય.
ચિત્તા પ્રોજેક્ટના શરૂઆતના દિવસોમાં ચોમાસા દરમિયાન ભારે બફારો અને વરસાદને કારણે મોટો પડકાર સર્જાયો હતો. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નામિબિયાથી 8 અને 18 ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તા લાવવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૨૩માં જ્યારે ૧૬ ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા, ત્યારે તેમના શરીર પર રહેલા વિંટર કોટમાં ભેજ ભરાઈ જવાથી અને ટિક્સ ચોંટવાથી ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. આ સંક્રમણને કારણે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન કમનસીબે ત્રણ ચિત્તાઓના મૃત્યુ પણ થયા હતા.
આ ગંભીર પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને વન વિભાગે વર્ષ ૨૦૨૪થી ચોમાસાની શરૂઆત પહેલા જ 'પ્રીવેન્ટિવ એક્શન' (અગાઉથી સુરક્ષાત્મક પગલાં) અપનાવવાનું શરૂ કર્યું. હવે દર વર્ષે ચોમાસા પહેલા ચિત્તાઓને 'બ્રેવેક્ટો' જેવી અદ્યતન દવાઓનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. કૂનોના વન્યજીવ વિશેષજ્ઞ અને ફીલ્ડ ડાયરેક્ટર ઉત્તમ કુમાર શર્માના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી આ ચોમાસા પૂર્વેના નિવારક પગલાંના કારણે ચિત્તાઓને કોઈપણ પ્રકારનું જીવલેણ સંક્રમણ નડ્યું નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વન વિભાગની આ કડક દેખરેખ અને સતર્કતાના પરિણામે કૂનોમાં જન્મેલા ચિત્તાઓની સર્વાઇવલ દર અંદાજે ૭૦ ટકા સુધી પહોંચી ગયો છે, જેણે દુનિયાભરના વન્યજીવ વિશેષજ્ઞોને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં જન્મેલા શાવકોનો જીવિત રહેવાનો સરેરાશ દર ૫૦ ટકાની આસપાસ જ માનવામાં આવે છે. કૂનોમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ૧૧ સફળ પ્રજનન થયા છે, જેમાં કુલ ૫૨ શાવકોનો જન્મ થયો છે. તેમાંથી ૩૬ ભારતીય ચિત્તા અત્યારે સંપૂર્ણ સ્વસ્થ અને જીવિત છે. જ્યારે માદા ચિત્તા શિકાર માટે બહાર નીકળે છે, ત્યારે ટ્રેકિંગ ટીમ દ્વારા સુરક્ષિત અંતરેથી ડેન સાઈટ (ગુફા) પર સતત નજર રાખવામાં આવે છે, જેથી માનવીય દખલ વગર શાવકોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે