ભારતનું ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતું સુરત શહેર હાલમાં અમેરિકી તપાસ એજન્સીઓના રડાર પર આવી ગયું છે. અહીં ગેરકાયદેસર રીતે ફેન્ટેનાઈલ ડ્રગ્સ બનાવવામાં વપરાતા કેમિકલ્સનો કારોબાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. અગાઉ મેક્સિકન ડ્રગ કાર્ટેલને આવા કેમિકલ્સનો સપ્લાય ચીનથી થતો હતો, પરંતુ ચીને નિકાસ પર કડક નિયંત્રણો મૂકતા આ ગેરકાયદેસર નેટવર્કે હવે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ પોતાનો મોરચો વાળ્યો છે. ગુજરાતના કેમિકલ હબ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ સામે અમેરિકન પ્રશાસને સખત કાર્યવાહી હાથ ધરી છે.
યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઈએ)ના રિપોર્ટ મુજબ ફેન્ટેનાઈલ અત્યંત પ્રાણઘાતક ડ્રગ છે, જેનો માત્ર બે મિલીગ્રામ જેટલો નાનો જથ્થો પણ કોઈ વયસ્ક વ્યક્તિનો જીવ લેવા માટે પૂરતો છે. આ ડ્રગ હેરોઇન કરતાં ૫૦ ગણું અને મોર્ફિન કરતાં ૧૦૦ ગણું વધુ શક્તિશાળી છે. અમેરિકામાં ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોમાં અચાનક થતાં મોત પાછળ આ ડ્રગ મુખ્ય કારણ બન્યું છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના આંકડા અનુસાર, ઓવરડોઝથી થતાં કુલ મૃત્યુમાંથી આશરે ૬૯ ટકા મોત સિન્થેટિક ઓપિયોઇડ્સ અને ગેરકાયદે ફેન્ટેનાઈલના કારણે થાય છે.
કેન્સરના દર્દીઓને અસહ્ય દુખાવામાંથી રાહત આપવા, ટ્રોમા અને એનેસ્થેસિયામાં તેનો નિયંત્રિત ઉપયોગ થાય છે. અમેરિકામાં તેના પર કડક નિયંત્રણો છે, જ્યારે ભારતમાં તે 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ' (એનડીપીએસ) હેઠળ આવે છે. જોકે, અસામાજિક તત્વો ભારતની રેગ્યુલેટરી સિસ્ટમની ક્ષતિઓનો લાભ ઉઠાવીને તેનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં ગુજરાત એટીએસએ સુરતની 'એથોસ કેમિકલ્સ'ના સતીશકુમાર સુતરીયા અને યુક્તા મોદી સામે 'એન્ડ-યુઝર સર્ટિફિકેટ'માં ફેબ્રિકેશન કરીને કેમિકલ્સ ખરીદવા બદલ કાર્યવાહી કરી હતી.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરતથી એન-બોક-4-પીપરીડન અને એએનપીપી જેવા પ્રીકર્સર કેમિકલ્સ ગુવાટેમાલાની 'જે એન્ડ સી ઇમ્પોર્ટ' કંપની મારફતે મેક્સિકન ડ્રગ કાર્ટેલ 'સિનાલોઆ'ના વચેટિયા જેમે ઓગસ્ટો સુધી પહોંચાડવામાં આવતા હતા. માત્ર એક કિલો એન-બોક-4-પીપરીડનમાંથી ૧.૮ કિલો ફેન્ટેનાઈલ બનાવી શકાય છે, જે નવ લાખ જીવલેણ ડોઝ તૈયાર કરવા માટે પૂરતું છે. આ ૧૧૬ કિલો કેમિકલ કૌભાંડમાં સામેલ સતીશકુમાર, યુક્તા મોદી અને તેમની કંપનીઓ પર અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓએફએસી દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં સુરતની 'રક્સુટર કેમિકલ્સ'ના ભાવેશ લાઠિયાએ પચાસ પાઉન્ડથી વધુ પ્રીકર્સર કેમિકલ્સની તસ્કરીની કબૂલાત કરી છે. તેણે કસ્ટમ્સની નજરથી બચવા માટે કેમિકલના કન્ટેનર પર 'વિટામિન સી' અને 'એન્ટાસિડ'ના ખોટા લેબલ લગાવ્યા હતા. ભારતનું ગુજરાત રાજ્ય કેમિકલ ઇન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ૫૦૦૦થી વધુ કેમિકલ અને ૩૦૦૦થી વધુ ફાર્માસ્યુટિકલ યુનિટ્સ આવેલા છે, જે દેશના કુલ કેમિકલ ઉત્પાદનનો આશરે ૫૦ ટકા હિસ્સો ધરાવે છે.
ગુજરાતના મુન્દ્રા અને પીપાવાવ જેવા આધુનિક બંદરો મધ્ય અમેરિકા સુધી સીધો દરિયાઈ માર્ગ પૂરો પાડે છે. આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો દુરુપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા દ્રવ્યોનું નેટવર્ક ફેલાવવામાં આવી રહ્યું છે. યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ગેરકાયદે ફેન્ટેનાઈલ કેમિકલ્સના સ્ત્રોતમાં ચીન પછી ભારતને બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. આ સાથે જ ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર યુરોપમાંથી પકડાયેલા મોટા કેમિકલ જથ્થાના તાર પણ ભારત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.