BREAKING NEWS

જામનગર : રંગમતી નદીમાં કેમીકલના કારણે જાણે દૂઘની ધારા વહેતી થઇ: શેઇમ...શેઇમ...

  • November 11, 2025 12:02 PM 

રંગમતી નદીમાં કેમીકલયુક્ત પાણી બેખૌફ રીતે છોડાતું હોવાના કારણે અનેક વખત આ નદીમાં કેમીકલના ફીણ જોવા મળ્યા છે અને આજે સવારે પણ જાણે આ રંગમતી નદીમાં દૂઘ વહેતું હોય એ પ્રકારે કેમીકલના કારણે ફીણ જોવા મળ્યા હતા, અફસોસની વાત એ છે કે આ સંબંધે અગાઉ પણ મીડીયા દ્વારા અનેક વખત સચિત્ર અહેવાલ પ્રસિઘ્ધ કરાયો હોવા છતાં આવી મહત્વની બાબતે સંબંધિત તંત્ર દ્વારા કોઇ ઘ્યાન દેવામાં આવ્યું નથી અને જે તે ઉદ્યોગકારોને જાણે પીળા પરવાના આપી દેવામાં આવ્યા હોય એવું ચિત્ર ઉપસ્યું છે. 


જામનગર, નવાનગરની શાન સમાન રંગમતી, નાગમતી નદીમાં એક સમયે વાહણો ચાલતા હતા અને નદી વર્ષો સુધી બે કાંઠે વહેતી હતી, સાતમ-આઠમના મેળામાં પણ લોકો આ વહાણમાં બેસીને સફર માણતા હતા, છેલ્લા ઘણાં વર્ષથી રંગમતી અને નાગમતી બન્ને નદીઓ પ્રત્યે તંત્ર અને લોકો દ્વારા સતત ઉપેક્ષા સેવાઇ રહી છે. જેના કારણે પ્રદૂષણની સાથોસાથ નદી તટમાં બેફામ દબાણો પર લઇ રહ્યા છે.


બન્ને નદીઓ પ્રદૂષણને કારણે અતિશય પ્રદૂષિત તસ્વીરમાં જોઇ શકાય છે. કોઇપણ શહેર કે કોઇપણ ગામની નદી એ જેવી રીતે ઘરમાં પાણીયારૂ હોય તેમ નદી છે તે જે તે શહેર કે ગામનું પાણીયારૂ ગણી શકાય. કારણ કે આ નદીના પાણીથી જમીનના તળ પણ ઉંચા આવે છે. સાથોસાથ નદી જ્યાંથી શરૂ થતી હોય અને જ્યાં સમુદ્રને મળતી હોય ત્યાં સુધીના તેમના કિનારે આવેલ ખેતરો અને વાડીઓને પીતને પાણી પહોંચતું હોય છે.


 આ નદીનું પાણી પ્રદૂષિત હોય તો નદી તટે આવેલ ખેતર કે વાડીના પાકને કેવું પાણી પહોંચે અને પાણીનો પાક કેવો થાય ? એ એક વિચારવા જેવું છે. જામનગરની શાન સમાન રંગમતી, નાગમતી બન્ને નદીઓ પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. આ બાબતે મીડીયા દ્વારા અસંખ્ય વખત તસ્વીરો પ્રસિઘ્ધ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પ્રદૂષણ બોર્ડ પણ આંખે પાટા બાંધીને બેઠું છે. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીમાં પણ નદીને સાફ કરવાના નાટકો થાય છે. રંગમતી અને નાગમતી નદીને ઉંડી ઉતારવાની ખૂબ જ જરૂરીયાત છે. પરંતુ તંત્ર ક્યારે આળસ ખંખરશે તે તો રામ જાણે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News