ઈ-ફાર્મસીના વિરોધમાં ર૦મી મેએ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોની હડતાલ
ઈ-ફાર્મસીના વિરોધમાં ર૦મી મેએ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોની હડતાલ
May 08, 2026 09:19 PM
ગેરકાયદેસર રીતે ચાલતી ઈ-ફાર્મસી અને મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓનલાઈન ફાર્મસીના માધ્યમથી આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી ૨૦મી મે ના રોજ ગુજરાતના ૩૫,૦૦૦ અને દેશના કુલ ૧૨.૫ લાખ કેમિસ્ટોએ એક દિવસીય હડતાલનું એલાન આપ્યું છે. આ હડતાલમાં રિટેલર્સની સાથે હોલસેલર અને ડીલરો પણ જોડાશે. જોકે, માનવતાના ધોરણે ઈમરજન્સી કેસમાં દર્દીઓને દવા મળી રહે તેવી વૈકલ્પિક વ્યવસ્વા કેમિસ્ટો દ્વારા કરવામાં આવશે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ફાર્મસીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે જેનાથી અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર હેદરાબાદ જેવા અન્ય શહેરોના ડોક્ટરીના પ્રિસ્ક્રિપ્શન બનાવીને અમદાવાદ કે અન્ય શહેરના દર્દીઓને દવાઓ વેચવામાં આવે છે. આ રીતે પ્રિસ્ક્રિપ્શન વિના જ સાયકોટ્રોપિક સબસ્ટન્સ જેવી દવાઓનું વેચાણ પણ વઈ રહ્યું છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા માર્જિન કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ આપીને ઓનલાઈન કંપનીઓ નાના કેમિસ્ટોનો ધંધો તોડી રહી છે. આના કારણે રિટેલ કેમિસ્ટોના વેપારમાં ૮ ટકા જેટલો ઘટાડો નોંધાવો છે. અતિશય ડિસ્કાઉન્ટના લાલચે બજારમાં ડુપ્લીકેટ અને સ્પુરિયસ (નકલી) દવાઓ ઘૂસી રહી છે, જે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ છે. આ તબક્કે કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે કોરીના કાળમાં દવાઓની હોમ ડિલિવરી માટે આપવામાં આવેલી છૂટનું નોટિફિકેશન તાત્કાલિક પાછું ખેંચવામાં આવે. આ ઉપરાંત, "પ્રિડેટરી પ્રાઇસિંગ' (અતિશય નીચા ભાવ) અટકાવવા માટે કડક નીતિ અમલમાં લાવવી જોઈએ. નાના કેમિસ્ટો અને સપ્લાય ચેઈનની સુરક્ષા માટે ગેરકાયદે ઈ-ફાર્મસીઓ બંધ કરાવવાની તેમજ નકલી દવાઓ બનાવનાર અને વેચનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે.