BREAKING NEWS

કોટડા સાંગાણીના નારણકા પાસે કારખાનામાં સામાન હેરફેરના વાહનની ઠોકરે બાળકનું મોત

  • November 08, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામે આવેલા કારખાનામાં મજૂરીકામ કરનાર એમ.પી. ના પરિવારનો સાડા ત્રણ વર્ષનો બાળક અહીં કારખાના પાસે રમતો હતો. દરમિયાન કારખાનામાં માલ સામાનની હેરફેર માટે રાખેલ વાહને બાળકને ઠોકરે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. બનાવ અંગે બાળકના પિતાની ફરિયાદ પરથી કોટડા સાંગાણી પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કાળીદેવી તાલુકાના ધાવલીયા ગામના વતની અને હાલ કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ પાસે આવેલા ઓરબીસના કારખાનામાં મજૂરીકામ કરનાર રવિન્દ્રભાઇ બાલુભાઇ મોહનિયા(ઉ.વ.૨૮) નામના આદિવાસી યુવાને અકસ્માતની ઘટના અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે.


તા.૬/૧૧ ના બપોરના સમયે યુવાન અહીં કારખાના પાસે બાળકોને સેગ્રીકેશન અરિયામાં રમાડતો હતો અને તેની પત્ની બાજુના કારખાનામાં કામ કરતી હતી. દરમિયાન તેમનો પુત્ર મીઠુ(ઉ.વ. ૩.૫) એકલો રમતો હતો ત્યારે અહીં કારખાનામાં માલ સામાનની હેરફેર માટેના વાહને તેને ઠોકરે લેતા બાળક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતની આ ઘટનાને લઇ સુપરવાઇઝર વિશાલભાઇ તથા આશિષભાઇ આવી ગયા હતાં. બાદમાં બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં. અહીં સારવાર દરમિયાન આ માસુમે આંખો મીંચી દીધી હતી. વાહલાસોયા પુત્રનું અકસ્માતમાં મોત થતા દંપતી આઘાતમાં સરી પડયું હતું. બનાવ અંગે બાળકના પિતાની ફરિયાદ પરથી કોટડા સાંગાણી પોલીસે અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application