BREAKING NEWS

ઈરાન પાછળ ચીનનો 'ડ્રેગન' સપોર્ટ: મિસાઈલ ઈંધણથી લઈને સેટેલાઈટ નેવિગેશન સુધીની મદદ

  • March 18, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી કોંગ્રેસ સાથે જોડાયેલા 'યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશન'ના તાજેતરના અહેવાલે વિશ્વભરમાં ચિંતા જગાવી છે. આ રિપોર્ટ મુજબ, ચીન ઈરાનને માત્ર આર્થિક જ નહીં પરંતુ અત્યાધુનિક સૈન્ય ટેકનોલોજી અને ઘાતક મિસાઈલ બનાવવાનું કાચું માલ પૂરું પાડી રહ્યું છે.


રોકેટ ઈંધણ અને ડ્રોન ટેકનોલોજીની સપ્લાય
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ઈરાનને આક્રમક ડ્રોન અને રોકેટ ઈંધણ બનાવવા માટે જરૂરી સોડિયમ પરક્લોરેટ (Sodium Perchlorate) પૂરો પાડી રહ્યું છે. માર્ચ 2026 ની શરૂઆતમાં ઈરાનના બે સરકારી જહાજો ચીનના ગાઓલાન પોર્ટથી રવાના થયા હતા, જેમાં મોટા પ્રમાણમાં મિસાઈલ ઈંધણ હોવાની આશંકા છે. આ અગાઉ જાન્યુઆરી 2025 માં પણ ચીને આશરે 1000 ટન સોડિયમ પરક્લોરેટ ઈરાન મોકલ્યું હતું, જે મિસાઈલોના ઘન ઈંધણ માટે અત્યંત મહત્વનું છે.


BeiDou સેટેલાઈટ સિસ્ટમ

સૌથી ગંભીર ખુલાસો એ છે કે ઈરાન હવે ચીનની પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ 'BeiDou' નો સૈન્ય ઉપયોગ કરી રહ્યું છે. 2021 માં ચીને ઈરાનને આ સિસ્ટમની સંપૂર્ણ સૈન્ય એક્સેસ આપી હતી. આનાથી ઈરાન તેના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને પિન-પોઈન્ટ ચોકસાઈ સાથે કરી શકશે. અમેરિકી GPS સિસ્ટમ પર નિર્ભર રહેવાને બદલે હવે ઈરાન ચીની ટેકનોલોજીની મદદથી અમેરિકી અને ઈઝરાયેલી મથકોને નિશાન બનાવી રહ્યું છે.


હથિયારોની ગુપ્ત ડીલ અને ચીનનું બદલાતું વલણ
ફેબ્રુઆરી 2026 માં અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ પહેલા ચીન ઈરાન સાથે એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ વેચવાની સીધી ડીલમાં સામેલ હતું. લાંબા સમય સુધી ઈરાનથી અંતર જાળવ્યા બાદ હવે ચીન સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોની પરવા કર્યા વગર ઈરાનને સૈન્ય ટેકનોલોજી આપી રહ્યું છે.


નવું સૈન્ય ગઠબંધન

બંને દેશો શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને બ્રિક્સ (BRICS) જેવા મંચો દ્વારા પોતાની ભાગીદારી મજબૂત કરી રહ્યા છે. ડિસેમ્બર 2025 માં ઈરાને SCO ના સભ્ય દેશો સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચરમસીમાએ છે. ચીન દ્વારા ઈરાનને મળતી આ મદદ અમેરિકા માટે સીધો પડકાર છે અને તેનાથી આવનારા સમયમાં યુદ્ધનું સ્વરૂપ વધુ ઘાતક બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application