રાજકોટ વૈશ્વિક સ્તરે એક મજબૂત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. આ વિકાસયાત્રામાં રાજકોટની એમ.એસ.એમ.ઈ. આધારિત ઔદ્યોગિક સંસ્થાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવી પહેલ દ્વારા વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ ખાસ કરીને ફાઉન્ડ્રી અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે. આ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ફાઉન્ડ્રી–મશીનિંગ સુવિધાઓ ધરાવતી સુપર એન્જીટેક ઉદ્યોગની પ્રગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે.
સુપર એન્જીટેકના ચેરમેન વિમલભાઈ ટાઢાણી જણાવે છે કે, ૧૯૮૨માં સ્થપાયેલી અમારી કંપનીમાં વર્ષ ૨૦૧૪–૧૫માં અમે સંપૂર્ણ ઓટોમેશન આધારિત ટેકનોલોજી અપનાવી. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેકનોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ.”
રાજ્ય સરકારની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ નીતિ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ મેનપાવર અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે રાજકોટમાં એન્જિનિયરિંગ સેક્ટર આગામી સમયમાં બે થી ચાર ગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાન રાખીને સુપર એન્જીટેક દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે, જે અન્વયે જામનગર અને રાજકોટ નજીક પવન ઊર્જા પ્રોજેક્ટ્સ દ્વારા કરોડો યુનિટ વીજ ઉત્પાદન થાય છે. સાથે જ ૮ મેગાવોટ ક્ષમતાના બે સોલાર પ્લાન્ટ્સ અંતિમ તબક્કામાં છે. કંપનીની માસિક ઉત્પાદન ક્ષમતા આશરે ૫,૦૦૦ મેટ્રિક ટન છે, જે ગુજરાત સરકારની સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીની નીતિને વધુ મજબૂત બનાવે છે.
ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચરર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રેશ સંખારવા જણાવે છે કે, આ વર્ષે રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન થવાનું છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. ઓટોમેશનના કારણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું એક્સપોર્ટ ૨૦ ટકા પરથી વધીને ૫૫–૬૦ ટકા થયું છે.
તેઓએ ઉમેર્યું કે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે ૯૫ ટકા ઉત્પાદન રાજકોટમાં થાય છે. આ ઉદ્યોગ ડિફેન્સ, ઓટોમોટિવ, રેલવે, તેલ–ગેસ, મરીન, ફાયર સેફ્ટી અને જનરલ એન્જિનિયરિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી પાયાની સુવિધાઓ ઉદ્યોગોના વિકાસમાં પ્રેરક બની છે.
રાજકોટ માટે ગૌરવની બાબત એ છે કે એક સમયનો એક્સપોર્ટર રહેલો ચીન આજે ગુજરાત–રાજકોટમાંથી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોડક્ટ આયાત કરે છે. નવું ભારત આત્મનિર્ભરતાની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે તેનો જીવંત પુરાવો છે.
એસોસિએશન દ્વારા ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન દેશો, મધ્ય પૂર્વ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જેમાં આગામી સમયમાં વૃદ્ધિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.