છૂટાછેડા માટે વ્યભિચારનો સંજોગોવશાત્ પુરાવો પૂરતો છેઃ મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો
છૂટાછેડા માટે વ્યભિચારનો સંજોગોવશાત્ પુરાવો પૂરતો છેઃ મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો
May 21, 2026 10:45 AM
મદ્રાસ હાઈકોર્ટે કાયદા અને સામાજિક વ્યવસ્થાને સ્પર્શતો એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે લગ્નજીવનમાં છૂટાછેડા મેળવવા માટે વ્યભિચાર (બીજી વ્યક્તિ સાથેના આડા સંબંધો) ના સંજોગોવશાત્ પુરાવા પૂરતા ગણાશે. અદાલતે સ્વીકાર્યું છે કે કોઈ પણ વય કે પરિસ્થિતિમાં સીધા પુરાવા દ્વારા વ્યભિચાર સાબિત કરવો અત્યંત મુશ્કેલ અને અશક્ય સમાન છે. ન્યાયાધીશ સી.વી. કાર્તિકેયન અને જસ્ટિસ કે. રાજશેખરની ડિવિઝન બેન્ચે વિલ્લુપુરમ ફેમિલી કોર્ટના તાજેતરના એક આદેશને ફગાવી દેતાં આ મહત્વનું અવલોકન કર્યું હતું. ફેમિલી કોર્ટે અગાઉ એક સીઆરપીએફ કોન્સ્ટેબલની છૂટાછેડાની અરજી એ આધાર પર ફગાવી દીધી હતી કે તે પોતાની પત્નીના બીજા પુરુષ સાથેના ગેરકાયદેસર સંબંધોના કોઈ સીધા પુરાવા રજૂ કરી શક્યો નથી. આ અન્યાયી આદેશ સામે પીડિત પતિએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદામાં સુધારા પહેલાં અને પછીની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. સુધારા બાદ કાયદામાં 'જાતીય સંબંધો' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. જો કે, ડિવિઝન બેન્ચે ટાંક્યું કે બે રૂમની અંદર કે ખાનગી પળોમાં બંધ બારણે થતા જાતીય સંબંધોના સીધા વિડીયો કે તસવીરો જેવા પુરાવા કોઈ પણ પક્ષ માટે રજૂ કરવા અશક્ય છે. તેથી, અદાલતોએ કેસની આસપાસની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને ન્યાય કરવો જોઈએ. આ કેસની વિગતો મુજબ, અરજદાર જવાનના લગ્ન ૨૪ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ થયા હતા. તે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સમાં દેશની સરહદો પર ફરજ બજાવતો હોવાથી વર્ષમાં માંડ બે વાર જ ઘરે આવી શકતો હતો. આ સમયગાળા દરમિયાન તેની પત્ની ગામના જ અન્ય એક પુરુષ સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. પતિને આ વાતની જાણ થતાં તેણે ફેમિલી કોર્ટમાં ન્યાય માંગ્યો હતો, પરંતુ ત્યાં તેને નિરાશા મળી હતી. જ્યારે આ મામલો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે અરજદાર પતિએ પોતાની પત્નીના આડા સંબંધો સાબિત કરવા માટે ગ્રામજનોની મૌખિક જુબાનીઓ અને કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. હાઈકોર્ટે આ તમામ સંજોગોવશાત્ પુરાવાઓને કાયદેસર અને પૂરતા માન્યા હતા. અદાલતે ન્યાયના હિતમાં નીચલી કોર્ટનો ચુકાદો રદ કરીને પીડિત કોન્સ્ટેબલના છૂટાછેડા મંજૂર કર્યા હતા. આ ચુકાદો આગામી સમયમાં આવા અનેક પડતર કેસો માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.