મિલકતોના દસ્તાવેજો રદ કરવાનો ટ્રસ્ટના નામે થયેલો દાવો નામંજૂર

  • May 10, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના પરમ પૂજ્ય બનાદાસ (સેજપાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુરેશભાઈ ઉર્ફે સુરેન્દ્રકુમાર રામજીભાઈ સેજપાલ વગેરેએ નવલભાઈ વાલજીભાઈ ઉમરાણીયાનાં વારસો અને તેની પાસેથી ખરીદનારાઓ સામે દાવો કરેલ કે, રાજકોટનાં રેવન્યુ સર્વે નં. ૪૮૮ પૈકી, પ્લોટ નં. ૮ જમીન ચો. આશરે ૧૯૪-૬-૦ જે ટ્રસ્ટનાં વાદી નં.ર સુરેન્દ્રકુમાર ઉર્ફે રામજીભાઈ સેજપાલે તા.૧૯/ ૦૨/ ૧૯૯૮ના રોજ રૂ।.૧૦૧ ટોકન લઈ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ટ્રસ્ટને અર્પણ કરેલ. તેમાં પ્રતિવાદી નં.૧ સ્વ. નવલભાઈ વાલજીભાઈ ઉમરાણીયાને ૧૯૮૧માં વાદી નં.ર સુરેશ સેજપાલે કોઈ મુખત્યારનામું આપેલ ન હોવા છતાં ખોટું કુલમુખત્યારનામું ઉભું કરીને અન્ય પ્રતિવાદીઓ નં.ર થી ૧૦ને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. તે બોગસ અને રદબાતલ જાહેર કરવાના મતલબનો દાવો દાખલ કરેલ.

સદરહું દાવામાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૦ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસે પ્રતિવાદીનાં દાવાનો જવાબ રજુ કરેલ અને એવી તકરાર લેવામાં આવેલ કે વાદી નં. ર સુરેશ સેજપાલ પર્સનલ કેપેસિટીમાં છે તેમજ વાદી નં.૧ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. તેમજ વાદી નં. ર દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ પ્લાન મંજૂર કરાવેલ છે. તેમજ અવેજ પણ સ્વીકારેલ છે. અને પ્રતિવાદીઓ જગ્યાનાં અલગ-અલગ મકાનમાં વસવાટ કરે છે. ત્યાં ઈલેકટ્રીક કનેક્શન, રોડ રસ્તા, પાણી વગેરે સગવડો આવેલ છે. ત્યારબાદ દાવો દલીલનાં સ્ટેજે આવતાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૨ તરફે વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ કે વાદી દ્વારા ખોટું, બોગસ ટ્રસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તેમજ વાદીએ સત્ય હકકીતો છુપાવેલ છે. ચેરીટી કમિશનરમાં ટ્રસ્ટમાં તે મિલ્કતની નોંધ કરાવેલ નથી. વિગેરે લંબાણપૂર્વકની દલીલ તેમજ કાયદાની દલીલો સિવિલ કોર્ટે માન્ય રાખી પ્રતિવાદીઓ બોનાફાઈડ પરચેઝર હોય, વાદી ટ્રસ્ટ પોતાનો દાવો પુરવાર કરી શકેલ નથી અને ખોટો દાવો કરેલ હોવાનું ઠરાવી વાદીનો દાવો રદ કરેલ છે. આ કેસમાં પ્રતિવાદીઓ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસ તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application