BREAKING NEWS

લેન્ડ રેકર્ડ કર્મચારીઓના પેન ડાઉનથી કામગીરીમાં પ્રતિકૂળ અસર પડી રહ્યાનો દાવો

  • September 18, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં લેન્ડ રેકર્ડ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ‘પેન ડાઉન’ આંદોલન ચાલી રહ્યું છે. તેથી તેની પ્રતિકૂળ અસર કામગીરીમાં પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ અંગે એડવોકેટ વિવેક લીંબાસીયાએ રાજકોટ જિલ્લા કલેક્ટર અને ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગને લેખિત રજૂઆત કરી આ પ્રશ્ન અંગે તાત્કાલિક વિચારણા કરી યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા ગ્રેડ-પેની માંગણી અંગે ‘પેન ડાઉન’ કરવામાં આવેલ છે. રજૂઆતમાં સિનિયર સંવર્ગના કર્મચારીઓના હાલના પગારધોરણમાં સુધારો કરી પે-મેટ્રિક્સ લેવલ-૫માંથી લેવલ-૬ કરવા તેમજ સર્વેયર સંવર્ગના પગારધોરણમાં પણ સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રજૂઆતમાં જણાવાયું છે કે ‘પેન ડાઉન’ની સીધી અસર જમીન માપણી, હિપણણી તેમજ અન્ય દસ્તાવેજી કામગીરી પર પડી રહી છે. અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની નોંધણી બાદ મિલકત કાપી એન્ટ્રી તથા અન્ય કામગીરીમાં પણ વિલંબ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિણામે રાજ્યના અરજદારો, ખેડુતો અને ઉદ્યોગકારોને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીઓની હડતાળ બાદ હવે રેવન્યુ વિભાગના અન્ય કર્મચારીઓ પણ હડતાળ ઉપર છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વકીલ વિવેકએ વિનંતી કરી છે કે, લેન્ડ રેકર્ડ કર્મચારીઓની માંગણીઓ અંગે સરકારમાં વાત કરી તેનો સત્વરે સ્વીકાર કરવામાં આવે અને કર્મચારીઓનું આંદોલન સમેટાય તે માટે અમલીકરણ કરવામાં આવે. સાથે જ ખાલી પડેલી જગ્યાઓ ભરવા તાત્કાલિક ધોરણે નવી ભરતી કરવામાં આવે જેથી લોકોની મુશ્કેલીનું નિરાકરણ થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application