સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના ઉત્સાહ વચ્ચે આજે હિંસક અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી, જેના કારણે કેન્દ્ર પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા અને એકબીજાના વાળ ખેંચીને મારામારી કરી હતી.
ઘટનાની વિગત મુજબ, વોર્ડ નંબર 18ની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત વિજેતા જાહેર થયા હતા. ભાજપના કાર્યકરો જ્યારે વિજયના ઉત્સાહમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોંગ્રેસના ઉમેદવાર દરજાવત ખેમજીના સમર્થકો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા અને એકબીજાના વાળ ખેંચીને માર મારવા લાગ્યા હતા. મર્યાદા ઓળંગીને થયેલી આ મારામારીને પગલે મતગણતરી કેન્દ્રની બહાર નાસભાગ મચી ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે તૈનાત પોલીસ કાફલાએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી અને બંને પક્ષના ટોળાઓને વિખેર્યા હતા. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના પરિણામોમાં આ પ્રકારની હિંસાએ સુરતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.