રાજકોટ શહેરમાં મતદાર યાદી તૈયારીની કામગીરી વચ્ચે આજે એક નવો વિવાદ સામે આવ્યો છે. શહેરના વિવિધ મતદાન મથકો પર BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા મતદારોની ફોર્મ ચકાસણી શરૂ થતાં જ કેટલાક સ્થળોએ BLO અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. SIR પ્રક્રિયાનું પાલન કરવામાં BLO વ્યસ્ત હતા, પરંતુ લોકોની મદદ માંગતા અનેક મતદારોને યોગ્ય માર્ગદર્શન ન મળતાં વાતાવરણ તંગ બન્યું.
તમારા માતા-પિતા જો સુરેન્દ્રનગર રહેતા હોય તો ત્યાં જઈ તપાસો
ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક મતદાર BLO પાસે પોતાના માતા-પિતાના નામ અને 2002ની મતદાર યાદીની વિગતો વિશે પૂછે છે. મતદાર અનુસાર તેની ચૂંટણી કાર્ડની માહિતીમાં કેટલીક ગડબડ હતી, જેને ઠીક કરાવવા તે BLO સુધી પહોંચ્યો હતો. પરંતુ મદદ કરવાની જગ્યાએ BLO ગુસ્સે ભરાયા હોવાનું વિડીયોમાં જોવા મળે છે. BLOએ મતદારને કહ્યું, “મતદાર યાદી જાતે શોધી લો… અને તમારા માતા-પિતા જો સુરેન્દ્રનગર રહેતા હોય તો ત્યાં જઈ તપાસો.”
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ જવાબથી મતદાર હેરાન થઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે BLOની કામગીરી અંગે ફરી સવાલો ઊભા થયા છે. મતદારોનું કહેવું છે કે ચૂંટણી જેવી લોકશાહી પ્રક્રિયામાં BLOની ભૂમિકા મતદારોને સમજાવવા અને સહાય આપવા માટે હોય છે, પરંતુ ઉડાઉ જવાબો આપવાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
આવા વર્તનથી સમગ્ર પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગે છે
આ તરફ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઘણા BLO પોતાનો ધીરજ ગુમાવી દેતા હોવાને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડે છે. ચૂંટણી પંચે જ્યાં સરળ અને પારદર્શક પ્રક્રિયા માટે BLOને જવાબદારી સોંપી છે, ત્યાં આવા વર્તનથી સમગ્ર પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગે છે.
અધિકારીઓ ઘટનાનો વિડીયો તપાસી રહ્યા છે
હાલમાં આ સમગ્ર મામલે વિસ્તારના અધિકારીઓ ઘટનાનો વિડીયો તપાસી રહી છે કે BLOનું વર્તન નિયમોના વિરુદ્ધ હતું કે નહીં. ચૂંટણી અગાઉ આવી ઘટનાઓ સામે આવતાં, BLOની તાલીમ અને વર્તનશૈલી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.