જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરામાં બે જુથ વચ્ચે બબાલ થતા ભારે અફડા તફડી મચી ગઇ હતી, હથિયારો તથા, સોડા બાટલીના ઘા કરીને સામાન તથા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, આ મામલે સામ સામી પોલીસ ફરીયાદો દાખલ કરવામાં આવતા ફરીયાદ અનુસંધાને ચાર શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
શંકરટેકરીના સુભાષપરા શેરી નં. ૨માં રહેતા અમીનાબેન શેરમામદ નોયડા (ઉ.વ.૫૫) નામના મહિલાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં વિજય કેશુ વરાણીયા, અભય વિજય વરાણીયા, બેનાબેન રોહીત લીંબડ, રોહીત લીંબડ, કાજલબેન રાહુલ વરાણીયા, સીમાબેન વિજય વરાણીયા, જયેશ ગોરધન દિહોરા, રાહુલ રાજેશ વરાણીયા, વાસંતીબેન દેવજી વરાણીયા, પુજાબેન રાજેશ વરાણીયા અને જશુબેન સુરેશ પરમારની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જેની વિગત મુજબ ફરીયાદીના દિકરા સાહુની વહુ આરોપી વિજયના દિકરા જગદીશ સાથે અગાઉ સબંધ હોય અને હવે વાત કરતી ન હોય છતા તેની શંકા રાખીને એક સંપ કરી આરોપીઓએ ઉદેશ પાર પાડવા ગેરકાયદે મંડળી રચીને ધોકા, છરી, પાઇપ જેવા હથીયારો સાથે ઘસી આવ્યા હતા.
ગેરકાયદે મંડળી રચીને હથિયારો સાથે ફરીયાદી મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી અપશબ્દો બોલી ધોકા તેમજ પાઇપથી ઘરમાં ટીવી, એસી સહિતના સામાનની તોડફોડ કરી નુકશાન પહોચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો.સામા પક્ષે સુભાષપરા શેરી નં. ૨માં રહેતા અભય ઉર્ફે પ્રફુલ વિજયભાઇ વરાણીયા (ઉ.વ.૧૯) નામના યુવાને સીટી-સી ડીવીઝનમાં વળતી ફરીયાદ સાહુ સંધી, હાર્દિક આહિર, જયદીપસિંહ જાડેજા, નિતીન દિનેશ શીંગરખીયા તથા એક અજાણ્યો ઇસમ રહે. બધા જામનગરની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેમા જણાવ્યા મુજબ ફરીયાદીના ભાઇને આરોપીની પત્ની સાથે સબંધ હોય અને હજુ વાત કરે છે તેવી શંકા રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગેરકાયદે મંડળી રચી પોતાનો ઇરાદો પાર પાડવા ઘર પાસે ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો સાથી ધસી ગયા હતા અને ફરીયાદીના ઘરની બહાર જઇ જગદીશને અપશબ્દો બોલી પથ્થરો તેમજ સોડા બોટલીઓના ફરીયાદીના ઘર પર અને બહાર પડેલ ગાડીઓ પર ફેંકી નુકશાન પહોચાડી હથિયારબંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. બંને પક્ષની ફરીયાદોના આધારે સીટી-સી પીઆઇ ડાભીની સુચનાથી પીએસઆઇ બરબસીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા ચારથી પાંચ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.