ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતા વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમની જાહેરાત કરી હતી. બોર્ડ ટાઈમટેબલ મુજબ, 4 માર્ચ, 2026ના રોજ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્ત્વો, સાયન્સ પ્રવાહનું જીવવિજ્ઞાનનું પેપરનું આયોજન છે.
શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ
જ્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. જેમાં 4 માર્ચ, 2026ના રોજ હોળી-ધૂળેટીની જાહેર રજા છે. જોકે, શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ કર્યો હોવાનું સામે આવ્યું છે. જાહેર રજાના દિવસે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું આયોજન કરાયું છે, ત્યારે વિદ્યાર્થી અને વાલી મૂંઝવણમાં મૂકાયા છે.