BREAKING NEWS

ગીર સોમનાથમાં ક્લાસ-2 અધિકારીનું એસિડ પીતા રાજકોટ હોસ્પિટલમાં મોત, અબડાસાથી બદલી થઈને આવ્યા ને 2 મહિના થયા'તા

  • September 06, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) વિભાગમાં વર્ગ-૨ અધિકારી તરીકે ફરજ બજાવતા મદદનીશ પ્રયોજના અધિકારી સુનિલ ચૌધરીનું રહસ્યમય સંજોગોમાં એસિડ પી જવાને કારણે સારવાર દરમિયાન અકાળે અવસાન થયું છે. મૂળ કચ્છના અબડાસાથી માત્ર બે મહિના પૂર્વે જ બદલી પામીને ગીર સોમનાથ ખાતે નિમણૂક પામેલા સુનિલ ચૌધરી વેરાવળના ડાભોર રોડ પર ભાડાના મકાનમાં રહેતા હતા. જન્માષ્ટમી એટલે કે આઠમની રાત્રે બનેલી આ આઘાતજનક ઘટનાથી સ્થાનિક વહીવટી તંત્ર અને સમગ્ર સરકારી આલમમાં ઘેરા શોકની કાલિમા વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગતો અનુસાર, આઠમની રાત્રે સુનિલ ચૌધરીએ અગમ્ય કારણોસર એસિડ ગટકાવી લીધું હતું, જેના લીધે તેમની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. બનાવની જાણ થતાં જ તેમને તુરંત જ વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમની સ્થિતિમાં સુધારો ન આવતાં અને તબિયત વધુ લથડતાં, તબીબોની સલાહ મુજબ તેમને વધુ સઘન સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ કરૂણ બનાવ અંગે પ્રાથમિક તપાસ દરમિયાન મામલતદાર દ્વારા લેવામાં આવેલા ડાઈંગ ડિક્લેરેશન (DD) એટલે કે મરણોન્મુખ નિવેદનમાં મૃતક સુનિલ ચૌધરીએ પોતે અજાણતા અને ભૂલથી એસિડ પી લીધું હોવાનું જણાવ્યું હતું. એક જવાબદાર અને ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ક્લાસ-૨ અધિકારીના આ પ્રકારે અચાનક થયેલા અવસાનથી અનેક સવાલો ઊભા થયા છે, જેના પગલે વેરાવળ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વેરાવળ પોલીસ હાલ આ મામલે તમામ દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પોલીસ એ બાબતની ચકાસણી કરી રહી છે કે આ ઘટના પાછળ કોઈ માનસિક તણાવ, કૌટુંબિક સમસ્યા કે પછી સરકારી કામકાજનું કોઈ ભારણ જવાબદાર હતું, કે પછી ખરેખર નિવેદનમાં જણાવ્યા મુજબ અકસ્માતે કે ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું. આશાસ્પદ અધિકારીના અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સહકર્મીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application