કેન્દ્રીય બજેટ 2026માં ટેકનોલોજી અને ડિજિટલ સેક્ટર માટે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતોમાંની એક કરવામાં આવી છે. 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સરકારે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એઆઈ કંપનીઓ માટે ટેક્સના દરવાજા ખોલી દીધા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે વિદેશી અને સ્થાનિક ક્લાઉડ કંપનીઓને વર્ષ 2047 સુધી ટેક્સમાં ખાસ છૂટછાટ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ વિશ્વભરની ટેક કંપનીઓને ભારતમાં તેમના ડેટા સેન્ટર સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જો કોઈ વિદેશી કંપની ભારતીય રિસેલર દ્વારા સેવા આપે અથવા ભારતમાં બનેલા ડેટા સેન્ટરનો ઉપયોગ કરે, તો તેને આ ટેક્સ ફ્રી સેવાનો લાભ મળશે.
યુઝર્સનો ડેટા ભારતની ભૌગોલિક સીમામાં જ સ્ટોર થશે, જેનાથી ભારતીય નિયમોનું પાલન સરળ બનશે. કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ ઘટવાથી ભવિષ્યમાં ડિજિટલ સબસ્ક્રિપ્શન કે સેવાઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
બજેટમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. આનાથી દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધરશે અને 5G નેટવર્કનો વિસ્તાર ઝડપથી થશે, જે છેવાડાના ગામડાઓ સુધી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવામાં મદદરૂપ થશે.
ડેટા ટ્રાન્સફર ઝડપી બનશે
આ નિર્ણય નીતિ વિષયક હોવા છતાં, લાંબા ગાળે સામાન્ય ઇન્ટરનેટ યુઝરને નીચે મુજબના ફાયદા થઈ શકે છે. ભારતમાં ડેટા સેન્ટર હોવાને કારણે ડેટા ટ્રાન્સફર ઝડપી બનશે. આનાથી વીડિયો સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ અને ક્લાઉડ આધારિત એપ્સની સ્પીડમાં સુધારો જોવા મળશે.
ભારતમાં અબજો ડોલરનું રોકાણ આવશે
સરકાર માને છે કે આ નિર્ણયથી ભારતમાં અબજો ડોલરનું રોકાણ આવશે અને હાઈ-ટેક ડેટા સેન્ટર્સ બનશે. આના પરિણામે આઈટી ક્ષેત્રમાં યુવાનો માટે હજારો નવી નોકરીઓનું સર્જન થશે. આ ઉપરાંત, સેમીકન્ડક્ટર મિશન 2.0 અને એઆઈ પરના ખાસ ભારથી ભારત વિશ્વનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ બનવા તરફ અગ્રેસર થશે.