જામનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઉગ્ર પવનથી ખેતરોમાં ઉભા રહેલા તલ, બાજરો, મગ, અડદના પાકમાં નુકશાનીનો ખતરો ઉભો થયો છે, આટલું જ નહીં જો વરસાદ વ્હેલો થશે તો ખેતરોમાં ઉભા પાક રોગગ્રસ્ત થશે, ખાસ કરીને છોડવા પડી જવા અને ફુગ સહિતના રોગની ભીતિ તથા ઉત્પાદ અને ગુણવતા પણ ઘટવાની શક્યતા હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે.
રાજ્યમાં સંભવિત વાવાઝોડાના પગલે જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ખાસ કરીને દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે અને પવનની ગતિ પણ વધી છે, જિલ્લામાં હજુ ખેતરોમાં ઉનાળું પાક તલ, બાજરો, મગ અને અડદ ઉભા છે, ત્યારે વાદળછાયા વાતાવરણ અને તીવ્ર પવનથી આ પાકમાં નુકશાનીની ભીતિ હોવાનું જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનીયર સાયન્ટીસ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું.
તીવ્ર પવનના કારણે તલ અને બાજરાના છોડ પડી જવા અને તેમાં ફુગની શક્યતા છે. તદ્દઉપરાંત જે ખેડૂતોએ પાછોતરા મગ અને અડદનું વાવેતર કર્યું છે. તો આ પાકમાં પણ છોડવા પડી જવા તથા ફુગના રોગની ભીતિ હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી બાજુ ચાલુ વર્ષે વહેલા ચોમાસાના આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આથી જો વ્હેલો વરસાદ થશે તો ખેતોરમાં ઉભા ઉનાળુ પાક રોગગ્રસ્ત થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. ચોમાસાના વ્હેલા આગમનના એંધાણ છે ત્યારે વ્હેલી તકે ઉનાળુ પાક ઉતારીને તેને સલામત સ્થળે રાખી સુકવીને વેચાણ કરવા તથા આગામી પાક માટે સુચારૂ બીજની વ્યવસ્થા અને વાવેતરનું આયોજન કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે.