BREAKING NEWS

નલિયા અને ગિરનાર પર્વત સિવાય બધે જ ફરી ડબલ ડિઝીટમાં ઠંડી, રાજકોટમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાયું

  • January 17, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીસા નલિયા પોરબંદર રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે અને વડોદરા ભાવનગર દીવ સહિતના શહેરોમાં 10 ડિગ્રી આસપાસ રહ્યા પછી આજે એકાએક તેમાં જોરદાર વધારો થવા પામ્યો છે. આજે ગિરનાર પર્વત અને નલિયા સિવાય બધે જ લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં આવી ગયું છે. ગિરનાર પર્વત પર આજનું લઘુતમ તાપમાન 3.1 ડિગ્રી અને નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે.


જુનાગઢ શહેરમાં 8.1 અને ભવનાથ તળેટીમાં 6.1 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 8.9 ડિગ્રી હતું એ આજે એકાએક વધીને 13.6 ડિગ્રી થઈ ગયું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી છે તે ગઈકાલના 8.4 ડિગ્રીની સરખામણી ત્રણ ડિગ્રી જેટલું વધુ છે.


ભાવનગરમાં પણ ગઈકાલ કરતાં આજે ૪ ડીગ્રી જેટલું લઘુત્તમ તાપમાન ઊંચકાયું છે. ભાવનગરમાં ગઈકાલે 10.6 અને આજે 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે અને આજે એક સમાન 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. કંડલામાં એક ડિગ્રીના વધારા સાથે આજે 12.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઓખામાં સામાન્ય વધારા સાથે આજે 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. વેરાવળમાં સામાન્ય વધારા સાથે આજે 14.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.


અમદાવાદમાં 14.5, વડોદરામાં 11.8, દિવમાં 10.3, સુરતમાં 13.3 ડીગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન ફરી પાછું 30 ડીગ્રીને પાર કરી ગયું છે. ગઈકાલે રાજકોટમાં 31.3, સુરતમાં 31.6, ડાંગમાં 31.3, દમણમાં 31.4 અને વડોદરામાં 30.8 ડીગ્રી મહત્તમ તાપમાન ગુરુવારે નોંધાયું હતું.


હિમાલયન રિજીયનમા આજે સવારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને તેના કારણે વરસાદ અને હીમ વર્ષા શરૂ થયા છે. આગામી તારીખ 19ના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. આ સિસ્ટમના કારણે સમગ્ર હિમાલયન રીજીયન ઉપરાંત પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.


બીજી બાજુ નોર્થ ઈસ્ટ એટલે કે દક્ષિણનું ચોમાસુ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયું છે. આગામી 24 થી 48 કલાકમાં દક્ષિણનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જોકે ચોમાસાના અંતિમ ભાગમાં આજે ફરી અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં કેરલા નજીક અપર એરસાઇક્લોનિક સર્ક્યુલેશન લક્ષદીપ પાસે જોવા મળ્યું છે અને તેના કારણે લક્ષદીપ નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તામિલનાડુ કેરલા પુડીચેરી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ધીમે ધીમે વરસાદનું જોર ઓછું થઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application