BREAKING NEWS

જામનગરમાં ઠંડીમાં વધારો:તાપમાન ૧૪.૫ ડીગ્રી

  • December 09, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ઠંડો પવન ફુંકાવાનું શરૂ થઇ ચૂકયું છે, ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવતાં ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો જેને કારણે વાતાવરણમાં ટાઢોડુ જોવા મળ્યું હતું અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે ગઇકાલથી ગરમ કપડામાં વિંટળાયા છે, ગામડાઓમાં પણ ઠંડીનો બોકાસો બોલી ગયો હતો અને ઠંડો પવન હોવાના કારણે બજારો વહેલી બંધ થઇ ગઇ હતી. 


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


હવામાન ખાતુ હજુ પણ કહે છે કે, ડીસેમ્બરમાં વધુ એકવાર માવઠુ થવાની શકયતા છે, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, કડકડતી ઠંડી પણ પડશે અને એક વખત માવઠુ થવાની શકયતા છે ત્યારે ખેડુતોને અત્યારથી ચિંતા શરૂ થઇ છે, એક તરફ માવઠાથી જે નુકશાન થયું છે તેની સહાય હજુ સુધી ઘણા ખેડુતોને મળી નથી, બીજી તરફ શિયાળુ વાવેતર શરૂ થઇ ચુકયું છે, એવા અરસામાં જો હજુ માવઠુ થાય તો ખેડુતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેતી નિષ્ણાંતો કહે છે. 


ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. ગઇકાલે આછેરી ઝાકળ પણ જોવા મળી હતી, ખેડુતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે, ડીસેમ્બરનું પ્રથમ વિક પુરૂ થઇ ગયું છે ત્યારે હવે ઠંડી પડવી જ જોઇએ તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે, જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન ૦ થી નીચે ચાલ્યું ગયું છે તેવી રીતે આબુમાં પણ માઇનસ ડીગ્રી તાપમાન ચાલે છે ત્યારે દિવસો ગુજરાત માટે મહત્વના બની રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application