જમ્મુ કશ્મીર અને હિમાલયન રીજીયનમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે પગલે ગુજરાત સહિત દેશભરમાં ઠંડી વધી રહી છે અને શિયાળાની સિઝન આગળ વધી રહી છે. આજે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધુ નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના કારણે અમરેલી દીવ ગાંધીનગર અને નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીની રેન્જમાં આવી ગયો છે. આજે નલિયામાં લઘુતમ તાપમાન 14 ગાંધીનગરમાં ૧૪ દીવમાં 14.5 અને અમરેલીમાં 14.8 ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદ વડોદરા રાજકોટ ડીસા માં 15 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં આજે 15.7 અમદાવાદમાં 15 વડોદરામાં 15 ડીસામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% આસપાસ રહ્યું છે. પરંતુ રાજ્યમાં સૌથી વધુ ભેજ રાજકોટમાં આજે સવારે 90% નોંધાયું છે.
અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં 16.1 ભુજમાં 17.8 દમણમાં 17.4 કંડલામાં 18.2 પોરબંદરમાં 16 સુરતમાં 16.4 વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમના કારણે આજે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.હરિયાણા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં અમુક ભાગમાં રાત્રિનું તાપમાન ૨ થી ૪ ડિગ્રી જેટલું નોર્મલ કરતાં નીચું રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને આ પ્રકારની સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે, નોર્થ ઈસ્ટના રાજ્યોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન આગામી 48 કલાકમાં ઘટશે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે અને શિયાળાની સિઝનનું આગમન થઈ ચૂક્યું છે. તામિલનાડુ કેરલા આંદામાન નિકોબાર સહિતના દક્ષિણના રાજ્યોમાં અને તે તરફના ટાપુઓ પર વરસાદ ચાલુ છે.