જામનગરમાં રહીરહીને ઠંડીએ ભારે જમાવટ કરી છે, છેલ્લા અઠવાડીયાથી જામનગરનું તાપમાન ૮.૫ થી ૧૨ ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, દેખો ત્યાં ઠાર જેવી હાલત છે, ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, હજુ આવનારા દિવસોમાં પણ વધુ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે, પક્ષીઓને પણ ટાઢની અસર થઇ હતી, આજે સવારે પણ ઠંડા પવન વચ્ચે તાપમાન ૯.૫ ડીગ્રીએ પહોંચતા લોકો હજુ પણ ગરમ કપડામાં વિંટળાયા છે. બીજી તરફ કાતિલ ઠંડીને કારણે ભીડભંજન, ટાઉનહોલ, ડીકેવી કોલેજ અને ખોડીયાર કોલોનીમાં રહેતા ભીક્ષુકોને ફુટપાથ ઉપરથી લઇ જઇ હાપા ખાતેના સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતાં. લોકોે ગરમ તાપણાનો સહારો લીધો હતો, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના જનજીવનને ભારે અસર થઇ છે. આજે સવારે ૫ વાગ્યાથી જામનગર શહેર અને હાઇવે ઉપર ઝાકળ પડવાથી રસ્તા ભીના થયા હતાં અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૯.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.

રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે. રાજસ્થાન તેમજ જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશમાં બરફની વર્ષા થઇ રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી છે.
છેલ્લા અઠવાડીયાથી ખાનગી અને સરકારી હોસ્પિટલની ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધુ આવ્યા છે, ખાસ કરીને શરદીના કેસોનું પ્રમાણ ગામડાના પીએચસી કેન્દ્રોમાં પણ જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં પણ ઠંડી વધશે એટલે રોગચાળો વધશે તેમ દેખાય છે.