હવામાન ખાતાએ સોમવારથી જામનગરમાં ઠંડી પડશે તેવી આગાહી કરી હતી, પરંતુ આ આગાહીની સુરસુરીયુ થઇ ગયું હતું, આજે ઠંડો પવન ફુંકાયો હતો તેની ઝડપ ૨૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી, ગઇકાલે રાત્રે પણ પવનને કારણે વાતાવરણ ઠંડુ થયું હતું, ત્યારે તાપમાન ૧૭ ડીગ્રીએ પહોંચી ગયું છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મી. ની ઝડપે રહી હતી. છેલ્લા અઠવાડીયા પહેલા ઠંડીનો પારો ૧૩ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ધીરે-ધીરે ઠંડી પડતી નથી, આ વખતે માવઠુ થયા બાદ આખુ ઋતુ ચક્ર બદલાઇ ગયું છે, જો કે તજજ્ઞો હજુ પણ કહે છે કે, ડીસેમ્બરમાં હજુ એક વાર માવઠુ થશે, છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, શિયાળાની મુદત કદાચ વધે તેવી શકયતા છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે.