સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. આગામી દિવસોમાં પણ હજુ લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતરશે પરંતુ કડકડતી ઠંડીનો અનુભવ હજુ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો અને આજનું લઘુતમ તાપમાન આઠ ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 12 ડિગ્રી હતું તે આજે બે ડિગ્રી જેટલું નીચે ઉતરીને 10.3 ડિગ્રી નોંધાયું છે઼ રાજકોટમાં મામૂલી ફેરફાર સાથે આજે લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી રહેવા પામ્યું છે. ગઈકાલે રાજકોટમાં લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી હતું.
અમરેલીમાં પણ સામાન્ય ફેરફાર થયો છે અને ગઈકાલે 12 તથા આજે 11.8 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં ગઈકાલે 15.6 અને આજે 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. ભુજમાં આજનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી છે જે ગઈકાલના 14 ડિગ્રીની સરખામણીએ સામાન્ય ફેરફાર દર્શાવે છે. કંડલામાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. ગઈકાલે 17.5 અને આજે 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન કંડલામાં નોંધાયું છે઼ પોરબંદરમાં ગઈકાલે 17 અને આજે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 13 અને ભવનાથ તળેટીમાં 11 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઘટી ગયું છે જો કે જુનાગઢમાં ૮૧ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.6 ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. અમદાવાદ વડોદરા ભુજ ગાંધીનગર કંડલા નલીયા પોરબંદર સુરત અને વેરાવળમાં પણ ગઈકાલે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરની ઊંચાઈ પર અપર એર સાઇકલોનીક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે તામિલનાડુ લક્ષદીપમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. આગામી તારીખ 27 ના રોજ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થશે અને તે સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરશે.