BREAKING NEWS

રાજકોટ મોરબી હાઈવે પર કલેકટરનું બુલડોઝર ત્રાટક્યું; 10 કરોડની જમીન ખુલ્લી કરાઈ

  • November 27, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મોરબી હાઈવે ઉપર રાજકોટ તાલુકાના વિજયનગર ગામે રૂા.૧૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ઉપર અનઅધિકૃત રીતે ખડકાયેલા આઠ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇને રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રએ સપાટો બોલાવ્યો હતો.

વિશેષમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સરકારી ખરાબાની સર્વે નં.૧૧૬ પૈકીની રાજકોટ-મોરબી હાઈવે પાસે આવેલી આ સરકારી ખરાબાની જમીનમાં છેલ્લા લાંબા સમયથી સોફાનું ગોડાઉન, કારખાનુ, ચાની હોટલો, રેસ્ટોરન્ટ સહિતના વાણિજિયક દબાણો ખડકાઈ ગયા હતા. સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા આ દબાણને હટાવવા માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા સુચના અપાતા સીટી પ્રાંત-૨ અધિકારી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મામલે અગાઉ કલેક્ટર તંત્ર દ્વારા સ્થળ તપાસ બાદ અગાઉ પુનાભાઈ, હિન્દાભાઈ, સામતભાઈ દેવાભાઈ, સનીમા લાલભાઈ, જુણેજા સાબીર, જૂનાભાઈ લાખ, લાલભાઈ નરીભાઈ મિયાત્રા, રશ્મિનભાઈ, પ્રકાશભાઈ નિમાવત, પ્રેમજી નાગજીભાઈ સહિતના કુલ આઠ દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી.તેમ છતા દબાણકારો દ્વારા દબાણ નહીં હટાવાતા અંતે ગઈકાલે રૂા.૧૦ કરોડથી વધુની સરકારી જમીન ઉપર ડીમોલીશન હાથ ધરી દબાણોની સાફસુકી કરવામાં આવી હતી. સિટી પ્રાંત-૧ અધિકારી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ કરાયેલા આ ડીમોલીશનમાં નાયબ મામલતદાર ડી.એમ. વઘાસીયા, ભૂમિકાબેન લાપડીયા, શૈલેશ જાની, સાગર સાપડા તેમજ ર૫ જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application