BREAKING NEWS

૧૮ બિનઅધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરતા કલેકટર; રૂ. ૨.૧૮ કરોડથી વધુનો દંડ ફટકાર્યો

  • July 23, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જમીનના બિનઅધિકૃત ઉપયોગ અને શરતભંગના કેસો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. ૨૫ માર્ચ, ૨૦૨૬થી તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન એલ.આર.સી.સી.ના કેસ નં. ૬૬ અને ૬૭ અંતર્ગત કુલ ૧૮ શરતભંગના કેસોમાં કાર્યવાહી કરીને રૂ. ૨,૧૮,૧૧,૪૩૬નો શરતભંગ દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ કેસોમાં કુલ ૩,૦૭,૧૫૪ ચોરસ મીટર જમીનનો બિનઅધિકૃત ઉપયોગ થયેલો હોવાનું નોંધાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ તાલુકાના ખોખડદળ, મુંજકા અને રાજકોટ-૪ વિસ્તાર, જસદણ તાલુકાના આટકોટ અને નવાગામ, લોધિકા તાલુકાના પાલ, હોલતરા તથા પાદરી ગામો, રાજકોટ પશ્ચિમના રૈયા-૪ સહિત વિવિધ વિસ્તારોમાં રહેણાંક માટે મંજૂર જમીનનો વાણિજ્યિક ઉપયોગ, પાર્ટી પ્લોટ, હોટેલ, સ્ટોરેજ તેમજ અન્ય વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કેટલાક સ્થળોએ બિનપરવાનગી બાંધકામ અને પ્લોટિંગ પણ નોંધાયું છે. સૌથી વધુ દંડ રાજકોટ-૪ વિસ્તારમાં સર્વે નં. ૨૬૯ પૈકીની જમીનના વાણિજ્યિક ઉપયોગના કેસમાં રૂ. ૪૮.૫૦ લાખથી વધુ ફટકારવામાં આવ્યો છે. જ્યારે રૈયા-૪ વિસ્તારમાં રહેણાંક જમીનમાં સ્ટોરેજ તરીકે કરાયેલા ઉપયોગ બદલ રૂ. ૩૩.૧૨ લાખથી વધુ અને પાળ ગામમાં પાર્ટી પ્લોટ તરીકે થયેલા વાણિજ્યિક ઉપયોગના બે અલગ-અલગ કેસોમાં રૂ. ૨૭.૨૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંજકા, જેતપુર-૧, હોલતરા અને અન્ય વિસ્તારોમાં પણ લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જમીનને જે હેતુ માટે મંજૂરી આપવામાં આવી હોય તે સિવાય અન્ય ઉપયોગ કરવો કાયદેસર નથી. જમીનધારકોને જમીનનો ઉપયોગ મંજૂર હેતુ અનુસાર જ કરવા અપીલ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application