BREAKING NEWS

જામનગર : અંબર ચોકડી પાસે યુવાનનો પડી ગયેલો મોબાઈલ શોધી આપતું કમાન્ડ કંટ્રોલ

  • December 23, 2025 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો અને જામનગરની હરિયા કોલેજમાં અભ્યાસ કરતો યુવાન ગઈકાલે સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં અંબર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક તેનો મોબાઈલ ફોન પડી ગયો હતો. થોડે દૂર જતાં તેને માલુમ પડ્યું હતું, કે પોતાનો મોબાઈલ ફોન પડી ગયો છે, જે શોધવા માટે પરત ફરતાં તેને મળ્યો ન હોવાથી તેણે તુરતજ જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટીમનો સંપર્ક ર્ક્યો હતો. જેથી ત્યાં ફરજ પર રહેલી પોલીસ ટીમે તરતજ મોબાઈલ ફોન શોધવા માટે કવાયત શરૂ કરી હતી, અને જુદા જુદા સીસી ટીવી કેમેરા ચકાસ્યા હતા.


જે દરમિયાન ત્રણ પૈડા વાળી સાયકલ લઈને નીકળેલો એક શખ્સ મોબાઈલ ફોન ઉઠાવીને સાત રસ્તા તરફ જતો હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સાત રસ્તા સર્કલના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાં તે વ્યક્તિ પસાર થયો ન હોવાથી પોલીસ ટીમને દોડતી કરાવાઈ હતી, અને તેમણે લાલ કલરના શર્ટ વાળા ત્રણ પૈડાના સાઇકલ સવારને આખરે શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત મોબાઈલ ફોન પોતાની પાસે એક વ્યક્તિ પૈસા માંગતો હોવાથી તેનું કરજ ચૂકવવા માટે મોબાઈલ ગીરવે મુકેલ હોવાનું જણાવ્યું હતું.
​​​​​​​

આથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તે વ્યક્તિને સિટી બી. ડિવિઝન પોલીસ મથકે બોલાવી લીધા બાદ ગણતરીની કલાકોમાં જ મોબાઇલ ફોન કબજે કરીને તેના મૂળ માલિક કોલેજીયન યુવાનને પરત કરી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application