જામનગરમાં એક મુસાફર ઇકો કારમાં મુસાફરી દરમ્યાન રૂ. ૯૨૭૦૦/- ની રોકડ રકમ અને કપડા સાથેની બેગ ભૂલી ગયા હતા. જેને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલરૂમના સ્ટાફે શોધી કાઢી મૂળ માલિકને સુપ્રત કર્યું હતું.
કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમનો સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કમલેશભાઇ રામશી શીંગળ (રહે. મુળ-હુડવા ફળી જાંબુવા-મધ્યપ્રદેશ) હાલ ખંભાળીયામાં ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને તેઓ તા. ૨૪ ના રોજ તેના વતનમાં મધ્યપ્રદેશ જવા માટે જામખંભાળીયાથી જામનગર આવવા માટે એક ઇકો ગાડીમાં બેઠા હતા, તેઓ સાત રસ્તા સર્કલ ખાતે ઉતરી તેના બાળકોને ઇકો ગાડીમાંથી નીચે ઉતારતા હોય તે દરમ્યાન તેનું બેગ, જેમાં આશરે ૯૨,૭૦૦ રોકડા રૂપીયા તથા કપડા હોય તે ભુલી ગયા હતા, અને જોગાનુંજોગ ત્યાં સાત રસ્તા ખાતે ટ્રાફીક પો.સ.ઇ. આર.એમ. કંડોરીયા હાજર હતા.
દરમ્યાન તેઓએ અરજદારને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે મોકલતાં પો.સ.ઇ. બી.બી. સિંગલના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણધર, પો.હેડ. કોન્સ. પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ સંજયભાઇ જોડ, રીનાબા ગોહિલ તથા એન્જીનીયર પ્રીતેશ વરણ સહિતની ટિમ દ્વારા સંતોષીમાતા મંદિર તથા ક્રિસ્ટલ મોલ લોકેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસતાં જે ઇકો ગાડીમાં બેગ ભુલાઇ ગયું હતુ, તે ગાડીના નંબર : જીજે-૧૦-બીઆર-૪૧૩૦ હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ તેનો આરટીઓ ડેટાથી મોબાઇલ નંબર મેળવી ઇકો ગાડીના માલિકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધતાં તે પેસેંજરના ફેરા કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
પરંતુ તે ખાવડી ખાતે પહોંચ્યો હોય તેવું જણાવતાં ઉપરોક્ત ઇકો વાહન ચાલકને રસ્તામાં મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. પાસે ઉપરોક્ત બેગ જમા કરવાનું જણાવ્યું હતું તેમજ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. જયરાજસિંહ ઝાલાને તે બેગ મળી આવ્યા બાદ જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે પહોચડાવાનું જણાવ્યું હતું, જેથી તેઓએ આ બેગને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે સમયસર પહોચાડી આપી હતી. આ પછી અરજદારને તેમાં રહેલ તમામ વસ્તુ ચેક કરવાનું કહેતા તેઓ દ્વારા જાતે બેગ તપાસતાં તેમાં તેના કપડા તેમજ રોકડ રૂપીયા ૯૨,૭૦૦ મળી આવ્યા હતા, જે મેળવી લીધા બાદ તેણે સમગ્ર પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.