રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે વોર્ડ નં.૩માં સફાઇનું સરપ્રાઇઝ ચેકિંગ કરીને ગંદકી મામલે સ્ટાફને ખખડાવ્યો હોવાનું જાણવા મળે છે, ખાસ કરીને વોર્ડ નં.૩-ડ હેઠળના રેલનગરના ટીપી સ્કિમ હેઠળના હાઇરાઇઝ ઈમારતોના વિસ્તારમાં સફાઇ જ થતી ન હોય આ પડતર વિસ્તારમાં કામદારો ફાળવવા ચર્ચા કરાઈ હોવાનું સ્ટાફના વર્તુળોમાંથી જાણવા મળે છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી વોર્ડ નં.૩-ડની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચની ઓફિસની સ્થળ મુલાકાત કરી હતી.ઉપરોક્ત મુલાકાત દરમિયાન શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ, કામગીરીની વ્યવસ્થા તેમજ મેદાન સ્તરે ચાલી રહેલી સ્વચ્છતા સંબંધિત કામગીરી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓફિસમાં ઉપલબ્ધ સાધનો, મશીનરી, વાહનો, કર્મચારીઓની કામગીરીની વ્યવસ્થા તેમજ દૈનિક કામગીરીની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. કચરાના સંગ્રહ, પરિવહન, વર્ગીકરણ અને નિકાલ સંબંધિત વ્યવસ્થાની કાર્યક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવી હતી.
વોર્ડ નં.૩માં ચાલી રહેલી સ્વચ્છતાની સમીક્ષામાં વોર્ડ નં.૩માં ચાલતી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી, ભીના અને સુકા કચરાના અલગ સંગ્રહ, રસ્તા સફાઈ, કોમર્શિયલ વિસ્તારો તથા જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે ચાલી રહેલા કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સ્વચ્છતા કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની ભૂમિકા અને સમયસર કામગીરી સુનિશ્ચિત કરવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વચ્છતા કામગીરીને વધુ સઘન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું જેમાં મ્યુનિ.કમિશનરએ શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટકાઉ બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીને વધુ અસરકારક બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. કચરા વ્યવસ્થાપનમાં ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ, નાગરિકોની ભાગીદારી વધારવા, તેમજ નિયમિત મોનિટરિંગ દ્વારા કામગીરીમાં સુધારો લાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૬ તથા સ્વચ્છ શહેરના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સમન્વય સાથે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા માત્ર એક કામગીરી નહીં પરંતુ નાગરિકોની સામૂહિક જવાબદારી હોવાનું જણાવતા, શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા સતત પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરની વિઝીટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.