રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષ ખાતે તા.૧૮ના સવારે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન હેપ્પી સ્ટ્રીટ (ફ્ન સ્ટ્રીટ) યોજાશે તેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત રેસકોર્સમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટરો પણ મ્યુઝિકલ ચેર, લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી દેશી રમતો રમશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૮ને રવિવારના રોજ સમય સવારે ૮ થી ૧૦ કલાક સુધી, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સામે, રેસકોર્સ ખાતે હેપ્પી સ્ટ્રીટ (ફ્ન સ્ટ્રીટ)નું આયોજન કરવામાં આવ્યું છે.
હેપ્પી સ્ટ્રીટ(ફન સ્ટ્રીટ)નો લાભ લેવા ઉમટી પડવા મહાપાલિકાના પદાધિકારીઓએ શહેરીજનોને અનુરોધ કરતા જણાવ્યુ હતું કે, આજના મોબાઇલ યુગમાં જ્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્યારે આપણી વિસરાય ગયેલ શેરી રમતોને પુનઃજીવિત કરવા માટે આ રમતો આ ફન સ્ટ્રીટમાં જોવા મળશે મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો હેપ્પી સ્ટ્રીટ (ફન સ્ટ્રીટ)માં જોવા મળશે.
હેપ્પી સ્ટ્રીટ (ફન સ્ટ્રીટ)માં ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પરિવાર સિવાય આવનાર વ્યક્તિએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે જે સુરક્ષા વિભાગ અથવા પોલીસ દ્વારા માંગવામાં આવે ત્યારે પોતાનું ઓળખકાર્ડ બતાવવાનું રહેશે.આ હેપ્પી સ્ટ્રીટ (ફન સ્ટ્રીટ)ને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિ.કમિશનર તેમજ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના વિવિધ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.