મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત બોગસ બેન્ક ખાતા અંગેની તપાસમાં એક પછી એક ફરીયાદો નોંધાઇ રહી છે અને મુળ સુધી પહોચવા કવાયત ચલાવવામાં આવી રહી છે, દરમ્યાનમાં જામનગરમાં બોગસ બેન્ક ખાતાની આ તપાસમાં વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે જેમાં પેઢીના પ્રોપ્રાઇટર, બ્રાસ વેપારી સહિત ચાર સામે ફરીયાદ દાખલ થઇ છે, ૯.૬૦ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ પોલીસ મથકોમાં ૨૩ ફરીયાદમાં ૫૪ શખ્સોનો સમાવેશ થયો છે.
સીટી-સી ડીવીઝનના કોન્સ. મયુરસિંહ જાડેજા દ્વારા જામનગરના ગોકુલનગર શ્રુતી પાર્ક સોસાયટીના, નારાયણનગર-૨માં રહેતા જયદીપ મહેન્દ્ર ધોણીયા (બેન્ક ખાતાધારક મહાદેવ પેટન વર્કસ નામની પેઢીના પ્રોપ્રાઇટર) તથા વિપુલ મોહન વસોયા-બ્રાસપાર્ટના વેપારી રહે. શિવમ સોસાયટી-૨, સત્યમ કોલોની (બેન્ક ખાતુ ઉપયોગ કરનાર) તથા શહીદ ખફી તથા બેન્ક ખાતુ ઉપયોગ કરનાર જામનગર સુમરા ચાલીના સદામ બશીર ખફીની સામે ગઇકાલે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી વેપારી જયદીપે અન્ય ત્રણ શખ્સોને પોતાનુ બેન્ક ખાતુ ઉપયોગ કરવા આપી અને કમિશન મેળવી તથા અન્ય ત્રણેય શખ્સોએ ઇન્ટરનેટ અથવા કોઇ માઘ્યમથી છેતરપીંડીથી મેળવેલ ગેરકાયદે નાણાની હેરફેર કરવાના ઇરાદાથી જયદીપના બેન્ક ખાતામાં રૂ. ૯.૬૦ની રકમ નખાવી ચેક દ્વારા ઉપાડી લઇ અન્યને પહોચાડી સગેવગે કરી અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકો ખાતે બોગસ બેન્ક ખાતા અંતર્ગત ગેરકાયદે ટ્રાન્જેકશન સબબ અત્યાર સુધી ૨૩ ફરીયાદોમાં ૫૪ આરોપીઓનો સમાવેશ થાય છે જેના આધારે પોલીસ દ્વારા આ શખ્સોની પુછપરછ અને મુખ્ય સુત્રધારો સુધી પહોચવા તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો છે.